અમદાવાદ મેટ્રો ટ્રેનનો સમય બદલાયો: દિવાળીની રાત્રે ફટાકડાના કારણે સુરક્ષાને લઈને સમયમાં કરાયો ઘટાડો
Ahmedabad Metro: દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સંચાલન સમયમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. 20 ઓક્ટોબર, દિવાળીના દિવસે ફટાકડાના મોટા પ્રમાણમાં થતા ઉપયોગથી સંભવિત નુકસાન અને સુરક્ષા જોખમને ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે.

દિવાળીના દિવસે મેટ્રોના સમયમાં 3 કલાકનો ઘટાડો
દિવાળીના પર્વ નિમિત્તે, 20 ઓક્ટોબરના રોજ, મેટ્રો ટ્રેન સંચાલનના સમયમાં આશરે 3 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેન તેના સામાન્ય સમય કરતાં વહેલી બંધ કરી દેવામાં આવશે.
મુખ્ય રૂટની છેલ્લી ટ્રેનનો સમય
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ: છેલ્લી ટ્રેન સાંજે 7.05 વાગ્યે ઉપડશે.
થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ: છેલ્લી ટ્રેન સાંજે 7.10 વાગ્યે ઉપડશે.
APMC થી મોટેરા: છેલ્લી ટ્રેન સાંજે 7.10 વાગ્યે ઉપડશે.
APMC થી સચિવાલય અને સચિવાલયથી APMC: છેલ્લી ટ્રેન સાંજે 6.24 કલાકે ઉપડશે.
ગિફ્ટ સિટીથી APMC: છેલ્લી ટ્રેન સાંજે 6.18 કલાકે ઉપડશે.
ગુજરાતના આધુનિક પરિવહનનું પ્રતીક
અમદાવાદ મેટ્રોની સફર વર્ષ 2025માં નવા સીમાચિહ્નો સર કરી રહી છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ હવે રાજ્યના આધુનિક પરિવહનનું એક મજબૂત પ્રતીક બની ગયું છે.
મેટ્રોની પ્રગતિ પર એક નજર
મુસાફરોની સંખ્યા: શરૂઆતમાં મેટ્રોમાં દૈનિક સરેરાશ 35,000 મુસાફરો મુસાફરી કરતા હતા, જે આંકડો આજે વધીને 1.5 લાખ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10.38 કરોડ નાગરિકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે.
સમયસરતા: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ 99.84 ટકા સમયસર સેવા આપીને મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે.
રૂટ વિસ્તરણ
પ્રથમ તબક્કો: વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક થઈને ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઇન વર્ષ 2022માં શરૂ થઈ હતી.
બીજો તબક્કો: અમદાવાદ અને ગાંધીનગરને જોડતો કુલ 28.2 કિમીનો રૂટ તૈયાર કરાયો છે. મોટેરાથી GIFT City અને સચિવાલય સુધીના ભાગો કાર્યરત થઈ ગયા છે. ટૂંક સમયમાં અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો રૂટ સંપૂર્ણપણે કાર્યરત થતાં કુલ 68 કિ.મી.ના રૂટ પર 54 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળી જશે.
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર સફરનું સાધન નથી, પરંતુ ગુજરાતના ગતિશીલ વિકાસનું પ્રતીક બની છે, જે ઝડપી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરી પૂરી પાડે છે.












Click it and Unblock the Notifications
