અમદાવાદથી ઉપડતી 9 ટ્રેનોના રૂટમાં ફેરફાર, જાણો અને અસુવિધાથી બચો
Ahmedabad News: અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને કારણે સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ-લખનઉ એક્સપ્રેસ, અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ, અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ, અમદાવાદ-સુલતાનપુર એક્સપ્રેસ, અને અમદાવાદ-માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સહિતની ઘણી ટ્રેનો હવે સાબરમતી સ્ટેશનથી ઓપરેટ થશે.
આ ઉપરાંત અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ, અમદાવાદ-જમ્મુતવી એક્સપ્રેસ અને અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ હવે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી ઉપડશે.

15 માર્ચથી શરૂ કરીને, આ ટ્રેનોને તબક્કાવાર સ્થાનાંતરિત કરવામાં આવશે. ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી ઉપડનારી ટ્રેનો હવે અમદાવાદ કે સાબરમતી સ્ટેશન પર રોકાશે નહીં, પરંતુ ચાંદલોડિયા થઈને દોડશે. આ ટ્રેનોમાં મુસાફરી કરવા ઈચ્છતા મુસાફરો ચાંદલોડિયાથી પણ ટ્રેનમાં બેસી શકશે.
વર્તમાન સમયમાં કાલુપુર રેલવે સ્ટેશન પર 200 થી વધુ ટ્રેનો ચાલે છે, અને દિવસ દરમિયાન અમદાવાદ સ્ટેશન પરથી 100 થી વધુ માલગાડીઓ પસાર થાય છે. આ ભીડના કારણે અમદાવાદ સ્ટેશને અનેક પેસેન્જર ટ્રેનોને યાર્ડમાં રોકવી પડે છે. કાલુપુર સ્ટેશન પરનો ભાર ઓછો કરવા માટે સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનને ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે.
અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ સાથે, અમદાવાદથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતની ટ્રેનો સાબરમતી અને ગાંધીનગર રાજધાની સ્ટેશનોથી ચાલશે. આ ફેરફારથી ટ્રેનોના નામમાં પણ ફેરફાર થશે; ઉદાહરણ તરીકે, અમદાવાદ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ હવે સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ તરીકે ઓળખાશે.
આ સ્ટેશનો પરથી ટ્રેનોનું મેન્ટેનન્સ પણ અમદાવાદને બદલે આ સ્થળોએ શિફ્ટ થશે, જેના કારણે સાબરમતી અને ગાંધીનગર ખાતે પિટ લાઇન સહિતની જાળવણી સુવિધાઓમાં વધારો થશે.













Click it and Unblock the Notifications
