Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા, 7 અંડરપાસ બંધ
Ahmedabad Rain: અમદાવાદમાં સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
હવામાન વિભાગે પહેલેથી કરેલી આગાહીના પગલે ભારે વરસાદને પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદમાં બોપલ, એસજી હાઈવે, સરખેજ, પ્રહલાદનગર, પકવાન રામદેવનગર, થલતેજ, ગોતા, પાલડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદમાં વરસાદને પગલે ઝીરો વિઝિબિલિટી થઈ જતા અનેક ઠેકાણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. વીજળી કડાકા સાથે સમી સાંજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. એક કલાકમાં વરસેલા 2 ઈંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. વેજલપુર અને મકરબા વિસ્તારો તળાવ બની ગયા હતા.
અમદાવાદમાં ભારે વરસાદના પગલે શહેરના 7 અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. વળી, વાસણા બેરેજના 12 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. દરવાજા 3.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.
પૂર્વના વિસ્તારો જેવા કે નારોલ, વટવા, ઈસનપુર, ઘોડાસર, જસોદાનગર, રામોલ, સીટીએમ, ખોખરા, મહેમદાવાદ, હાટકેશ્વર, અમરાઈવાડી, વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, ઠક્કરબાપાનગર, નરોડા સહિત દરેક જગ્યાએ ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવા પામ્યા હતા.
તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં બોપલમાં એક કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. હાલમાં વાસણા બેરેજના દરવાજા ખોલી દેવાયા છે. પરંતુ જો જળ સ્તર નીચુ નહિ જાય તો વિસ્તારોમાં પાણી વધુ ભરાશે. ઘણા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોની ઘરવખરીને પણ નુકશાન થયુ છે.
નોંધનીય છે કે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્રણ જિલ્લાઓ ભાવનગર, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
અમદાવાદ શહેરમાં આજે સવારે 6 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી નોંધાયેલા આંકડાની વાત કરીએ તો પૂર્વ ઝોનમાં 496.71 મીમી, પશ્ચિમ ઝોનમાં 652.16 મીમી, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 561.42 મીમી, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 666 મીમી, મધ્ય ઝોનમાં 576 મીમી, ઉત્તર ઝોનમાં 538 મીમી અને દક્ષિણ ઝોનમાં 506 મીમી વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
