દિવસ દરમિયાન અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર રહેશે પ્રતિબંધ, ગુજરાત હાઈકોર્ટે આપ્યું સમર્થન
Ahmedabad: ગુજરાત હાઈકોર્ટે ખાનગી બસ માલિકોની અરજીને ફગાવીને અમદાવાદ શહેરની હદમાં ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પરના પ્રતિબંધને સમર્થન આપ્યું હતું.
અપીલને ફગાવી દેતા સમયે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે, અમે દિવસના અજવાળા સમયે બસ ચલાવવાની પરવાનગી આપીશું નહીં.
સિંગલ જજની બેચે 2022માં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનની કાયદેસરતા સામેના પડકારને ફગાવી દીધા બાદ શ્રીનાથ ટ્રાવેલ એજન્સી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, નોટિફિકેશનમાં ભારે વાહનો અને ખાનગી બસોને સવારે 8 થી 10 વાગ્યા સુધી ચલાવવા પર પ્રતિબંધ છે.

અપીલકર્તાએ દલીલ કરી હતી કે, આ અગાઉ 2004 ના નોટિફિકેશન મુજબ ખાનગી બસો માટે ચોક્કસ રૂટ નક્કી કરવામાં આવ્યા હતા અને પાર્કિંગની જગ્યાઓ ફાળવવામાં આવી હતી. જોકે, તાજેતરની સૂચનાએ આ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે.
એવી દલીલ કરવામાં આવી હતી કે, બસ-સંબંધિત અકસ્માતો શહેરમાં કુલ અકસ્માતોમાં માત્ર 5.9 ટકા હિસ્સો ધરાવે છે, અને અમદાવાદમાં કુલ વાહનોમાં બસો માત્ર 0.9 ટકા છે.
જવાબમાં બેચે રસ્તા પર બસો દ્વારા કબજે કરેલી જગ્યા તરફ ધ્યાન દોર્યું, જે ભીડનું સર્જન કરે છે. બેચે કહ્યું, અમે એક પછી એક રોડ બનાવી રહ્યા છીએ. અમે ત્રીજા રિંગ રોડના સ્ટેજ પર છીએ.
ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાના વહીવટીતંત્રના પ્રયાસોને વધુ સમર્થન આપતા, ચીફ જસ્ટિસ અગ્રવાલે જણાવ્યું હતું કે, જો તેઓ પગલાં લઈ રહ્યા હોય, તો તેમને આગળ વધવા દો. નાના પગલાઓમાં પણ દખલ ન કરવી જોઈએ.












Click it and Unblock the Notifications
