Ahmedabad Weather: અમદાવાદમાં આખી રાતમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારો જળબંબાકાર, ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: સમગ્ર ગુજરાતમાં વરસી રહેલા અતિ ભારે વરસાદ દરમિયાન અમદાવાદમાં પણ ગઈ કાલે રાતે મેઘો મન મૂકીને વરસ્યો હતો. શહેરના દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જીઈ હતી.
શહેરના અનેક અંડરપાસમાં પાણી ભરા જતાં લોકોને ભારે તકલીફ પડી હતી અને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. અખબારનગર, મીઠાખળી, પરિમલ અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિને પગલે બંધ કરવાની ફરજ પડી હતી.

નરોડામાં મોડી રાતે લગભગ 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વળી, મણિનગરમાં પણ ડ્રેનેજ વ્યવસ્થા બંધ હોવાના કારણે રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એસજી હાઈવે પર પણ ભારે વરસાદ નોંધાયો હતો. સાયન્સ સિટી, ગોતામાં 4-4 ઈંચ, ઉસ્માનપુરા અને ઓઢવમાં પણ 4-4 અને મેમ્કો તથા બોડકદેવમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
વટવા, ઈસનપુર, નારોલ, ઘોડાસર સહિતના અન્ય વિસ્તારોમાં પણ 5-6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાથી વાહનોની અવર-જવરમાં ભારે તકલીફ પડી રહી છે. ઈસનપુર. નારોલ હાઈવે પર પાણી ભરાયેલા હોવાથી વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં આખી રાત ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે. બોપલ, શેલા, આનંદનગગર, જીવરાજપાર્ક, વેજલપુર સહિતના વિસ્તારમાં જળમગ્ન થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પરિમલ અન્ડરપાસમાં લક્ઝરી બસ ફસાઇ જતાં બસમાં સવાર 25 મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા હતા. જો કે, તેમની બચાવી લેવાતા જાનહાનિ ટળી હતી.
અમદાવાદમાં એક રાતમાં લગભગ 28 જગ્યાએ વૃક્ષો ધરાશાયી છે. પશ્ચિમ ઝોનમાં 13, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4, દક્ષિણ ઝોનમાં 5 અને મધ્ય ઝોનમાં 2 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. જેના પરિણામે રસ્તા બ્લૉક થઈ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. અમદાવાદમાં આખી રાતમાં અતિ ભારે પવન સાથે વરસાદ થતા અનેક રસ્તાઓ પર મોટા-મોટા ગાબડા પડી ગયા છે.












Click it and Unblock the Notifications
