અમદાવાદ નેશનલ હાઇવે 8 પરનો મહાત્મા ગાંધી બ્રિજ જર્જરિત, મોટી તિરાડ દેખાઈ
શહેરમાં વધુ એક બ્રિજની જર્જરિત હાલત સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. નેશનલ હાઇવે 8 પર આવેલા મહત્ત્વપૂર્ણ મહાત્મા ગાંધી બ્રિજ (કેડિલા બ્રિજ) પર મસમોટી તિરાડો પડી હોવાનું નિરીક્ષણ દરમિયાન જણાયું છે.
બ્રિજના સ્પાન વચ્ચે પડેલી આ તિરાડો એટલી મોટી છે કે તેમાંથી નીચેના રેલવેના પાટા સ્પષ્ટપણે દેખાય છે, જે બ્રિજની સુરક્ષા પર ગંભીર પ્રશ્ન ઉભો કરે છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ બ્રિજનું નિરીક્ષણ પાંચ મહિના પહેલાં પણ કરવામાં આવ્યું હતું, અને તે સમયે પણ બ્રિજની જર્જરિત સ્થિતિ અંગેનો અહેવાલ તૈયાર થયો હતો. તેમ છતાં, પાંચ મહિનાના સમયગાળામાં કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાથી તેની હાલત વધુ વણસી છે.
આ બ્રિજ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે. જર્જરિત બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો અને મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.
મીડિયા દ્વારા આ બ્રિજની ખરાબ હાલત અંગે અગાઉ પણ અહેવાલો પ્રકાશિત કરાયા હતા, છતાં પરિસ્થિતિ સુધરી નથી.
નેશનલ હાઇવે પરના આ મુખ્ય બ્રિજની જર્જરિત હાલત જોતાં, સત્વરે તેનું સમારકામ થાય અને વાહનચાલકોને સલામત માર્ગ મળી રહે તે જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સંબંધિત હાઇવે ઓથોરિટી દ્વારા આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોક માગણી છે.












Click it and Unblock the Notifications
