દેશની જનતાને પીએમ મોદી પર વિશ્વાસ વધતો જાય છેઃ અમદાવાદમાં વિશાળ જનસભામાં સી આર પાટીલ
અમદાવાદ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં PM મોદીના કાર્યકાળના 9 વર્ષ પુર્ણ થતા વિશાળ જનસભા યોજાઇ હતી. આ સભામાં શહેર પ્રમુખ અમિત શાહ તેમજ સાંસદ ડૉ. કિરિટભાઇ સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, ગુજરાત અને દેશની જનતાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર વિશ્વાસ વઘતો જ જાય છે. આજની સભામાં ખીચો ખીચ ઉપસ્થિત જન સંખ્યા બતાવે છે કે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે તમને કેટલો પ્રેમ છે.

પાટીલે વધુમાં જણાવ્યુ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરેલા વિકાસના કામ વડાપ્રધાન બન્યા પછી પણ વિકાસના કામો કરી રહ્યા છે અને આ કામનો હિસાબ જનતાને આપવા 56ની છાતી જોઇએ. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશ અને ગુજરાત માટે કરેલા કામોથી જનતામાં એક સંતોષનું વાતાવરણ જોવા મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકારમાં આંતકીઓ છાશવારે દેશમાં ઘુસી જતા અને સમાચારોમાં હેડલાઇન બનતી પરુંતુ આજે પીએમ મોદી સાહેબની ભાજપ સરકારમાં આપણી સેનાના જવાનાઓ આંતકીઓને સરહદ પર જ ઠાર કરી દે છે. દેશને આંતરીક અને બાહ્ય સુરક્ષા આપી છે. આજે આપણી સેનાના જવાનો અત્યંત આધુનિક શસ્ત્રથી સજ્જ કરી છે અને સેના આંતકીઓના ઘરમાં ઘુસી ખાતમો કરી નાખે છે.
સીઆર પાટીલે ઉમેર્યુ કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત નબળુ નથી આજે ભારત દુશ્મનોને ઘરમાં ઘુસી જવાબ આપે છે. ઇતિહાસમાં કોઇ પણ દુશ્મન દેશનો પાયલોટ જો ઝડપાય તો તેને આકરી યાતના આપવામાં આવે અથવા ફાંસી આપવામાં આવે પરંતુ મોદી સાહેબની સરકારમાં એનો પાયલોટ ઝડપાય તો પાકિસ્તાન તે પાયલોટ પર કોઇ યાતના કરે તે પાકિસ્તાનની તાકાત નથી અને 24 કલાકની અંદર પાકિસ્તાનની સંસદમાં ઠરાવ કરી આપણા પાયલોટ શ્રી અભિનંદનને પાછા ભારત મોકલી દીધા. કોઇ પાયલોટ 24 કલાકમાં પાછો આવ્યો હોય તે પહેલી વાર મોદી સરકારમાં થયું છે.
પાટીલે પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીએ દેશને પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય,રાંઘણ ગેસના કનેકશન આપ્યા તેમજ ખેડૂતો, મહિલા, યુવાનોને લાભ થાય તેવી જુદી-જુદી 180 યોજનાઓ દરેક સેકટરમાં બનાવી છે. દેશના પહેલા એવા વડાપ્રધાન છે કે યુવાનો પર વિશ્વાસ રાખે છે અને તેમને ધંધા માટે લોનની વ્યવસ્થા કરાવી છે. આજે મેટ્રો ટ્રેનની મુસાફરી કરી શકાય તે માટે 15 નવા શહેરોમાં મેટ્રો શરૂ કરાવી. મોદી સરકારમાં દેશમાં અંત્યત આધુનિક હોસ્પિટલો બની, આધુનિક રેલવે સ્ટેશન અને એરપોર્ટ બનાવવામાં આવ્યા છે.
વળી, તેમણે ઉમેર્યુ કે કોરોનાની રસી આપણા દેશમાં બનશે તેવું કોઇએ કલ્પના નહોતી કરી પરંતુ મોદી સરકારે દેશને એક નહી બે રસી આપી અને વિના મુલ્યે રસી આપી કોરોનાથી સુરક્ષિત કર્યા છે. યુક્રેનમાં ફસાયેલા આપણા વિદ્યાર્થીઓને મોદી સરકાર સુરક્ષીત ભારત પરત લાવી છે. ગુજરાતમાં યાત્રાધામનો વિકાસ મોદી સરકારમાં કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રાચિન સંસ્કૃતિની ઘરોહર ગણાતા આપણા યોગને વિશ્વ સમક્ષ લઇ ગયા અને આજે આખુ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમદેવારને પાંચ લાખની જીતથી જીતાડી મોદી સાહેબના હાથ મજબૂત કરવા સંકલ્પ કરાવ્યો.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશના સહ કોષાઅધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઇ શાહ, અમદાવાદ શહેરના મહામંત્રીશ્રીઓ ભુષણભાઇ ભટ્ટ, શ્રી જીતુભાઇ ભગત,શ્રી પરેશભાઇ લાખાણી,અમદાવાદ શહેરના મેયરશ્રી કિરિટભાઇ પરમાર, ધારાસભ્યશ્રીઓ શ્રી દર્શનાબેન,શ્રી અમુલભાઇ ભટ્ટ, શ્રી હસમુખભાઇ પટેલ, શ્રી કૌશિકભાઇ જૈન, પુર્વ મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી હિતશભાઇ બારોટ સહિત હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
