અમદાવાદમાં 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
Indian Plumbing Conference: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાત નેટ ઝીરો તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યુ છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગ અને તેનાં ઝીરો ડિસ્ચાર્જ વ્યવસ્થા વિકસેલી છે. વડાપ્રધાન મોદીએ પાણીને પરમેશ્વરનો પ્રસાદ માનીને વિવેકપૂર્ણ ઉપયોગ માટે આપેલી શીખને અનુસરતા હવે નેટ ઝીરો વોટર ઇનબિલ્ટ એન્વાયરમેન્ટ તરફ આગળ વધવું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૨૯મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં થનારી ચર્ચા-તારણો સરકાર માટે ઉપયોગી બનશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન મોદીએ મિશન લાઇફ દ્વારા આપણા રોજબરોજના જીવનમાં પણ પાણી, વીજળી બચાવવા અને પર્યાવરણ જાળવણી સાથેની જીવનશૈલી અપનાવવાનો કોન્સેપ્ટ આપ્યો છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીના હસ્તે સુરતમાં ખુલ્લું મૂકવામાં આવેલું ડાયમંડ બુર્સનું વર્લ્ડક્લાસ બિલ્ડિંગ પણ ઝીરો ડિસ્ચાર્જ ટેક્નિકનું ઉત્તમ ઉદાહરણ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાતે તો ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે આયોજન, G20ની સફળતા, રણ પ્રદેશના ધોરડો જેવા નાના ગામને વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ બનાવવા જેવી સિદ્ધિઓ મેળવેલી છે.
દુનિયાના વિકસિત દેશો પણ આજે ભારતની ક્ષમતા અને સામર્થ્યની નોંધ લે છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિઝનરી લીડરશિપવાળી એક વ્યક્તિ કેવા મોટાં બદલાવ લાવી શકે તે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ બતાવ્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલે પાણીનું એક પણ ટીપું વ્યય ન થાય અને ઉપલબ્ધ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તેને બિલ્ડર્સ, ઉદ્યોગકારો, પ્લમ્બિંગ સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓ સૌની સહિયારી જવાબદારી ગણાવી હતી. નળમાંથી ટપકતા એક એક ટીપાને અટકાવીને વર્ષે દિવસે હજારો લીટર પાણી બચાવી શકાય છે.
આ અવસરે સહકાર અને લઘુ-સુક્ષ્મ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત વરસાદી પાણીના બચાવ અને જળસંચય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વિશ્વના ત્રણ દેશોમાં જ ક્લાઈમેટ ચેન્જ વિભાગ કાર્યરત હતા, એવા સમયમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આલાયદો ક્લાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો, ત્યારે દેશમાં લોકોના ઘરોમાં માત્ર 14 ટકા પાણીની લાઈનોના કનેક્શન હતા, પરંતુ તેમના સફળ નેતૃત્ત્વ હેઠળ આજે ગુજરાત અને ભારતમાં મોટા ભાગના લોકોના ઘરોમાં પાણીની લાઈનોના કનેક્શનો પહોંચાડાયા છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં તળાવોને ઇન્ટરલિન્ક કરવાનું કામ ચાલી રહ્યું છે. મંત્રીએ આઈ.ટી.આઈ જેવી સંસ્થાઓમાં વોટર પ્લમ્બિંગનો કોર્સ શરૂ કરવાનું સૂચન પણ કર્યું હતું.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, નેશનલ પ્લમ્બિંગ કોન્ફરન્સમાં અહીંયા જે પણ એન્જિનિયર અને મહાનુભાવો ઉપસ્થિત છે, તે તમામ આ ક્ષેત્રમાં નિષ્ણાત છે. પાણી બચાવવા અને અને ભવિષ્યમાં લોકોને શુદ્ધ પાણી મળી રહે, તે માટે તેમના સાર્થક પ્રયત્નો બદલ શુભેચ્છાઓ પાઠવું છું.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બી.ઓ. પ્રસન્ન કુમારને IPA લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-2023 એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે નોંધપાત્ર યોગદાન બદલ ડિસ્ટિંગવીશ પાર્ટનર એવોર્ડ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ઇન્ડીયન પ્લમ્બિંગ એસોસિયેશનના નેશનલ પ્રેસિડેન્ટ ગુરમીતસિંઘ અરોરા, HCPના ડાયરેક્ટર બિમલ પટેલ, IPA-અમદાવાદના ચેરમેન મિનેશ શાહ તેમજ પ્લમ્બિંગ ઇન્ડરસ્ટ્રી સાથે સંકળાયેલા એન્જિનિયર, ઉદ્યોગકારો તેમજ ક્ષેત્ર તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા












Click it and Unblock the Notifications
