Vibrant Ahmedabad flower show 2024: PM મોદીએ કરી અમદાવાદ ફ્લાવર શો 2024ની પ્રશંસા
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અમદાવાદનો મનમોહક ફ્લાવર શો પણ નવા ભારતની વિકાસ યાત્રાની આકર્ષક ઝલક દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જઈને લખ્યું કે, અમદાવાદમાં આ ફ્લાવર શો દરેકને મોહિત કરવા માટે તૈયાર છે. અહીં પ્રદર્શિત નવા ભારતની વિકાસ યાત્રાની ઝલક પણ ખૂબ આકર્ષક છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024 પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતા. અનેકવિધ સ્કલ્પચરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌએ બિરદાવ્યા હતા.
વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024ના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો, અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.
આ ઉપરાંત વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે.
આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. વધુમાં આ ફ્લાવર શૉમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે.












Click it and Unblock the Notifications
