વર્ષ 2023-24માં 12600 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો, બનશે ત્રણ નવી સમરસ છાત્રાલય
Samaras Hostels: ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, વિકસતી જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને છાત્રાલય ખાતે અતિઆધુનિક સુવિદ્યાઓ મળી રહે તે માટે વર્ષ 2016-17થી રાજ્યમાં સમરસ છાત્રાલયો શરૂ કરવામાં આવ્યા છે.
વર્ષ 2023-24માં સમરસ છાત્રાલયોમાં કુલ 12600 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં અનુસૂચિત જાતિના 1897 વિદ્યાર્થીઓને, અનુસૂચિત જન જાતિના 3765 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના 4294 તેમજ આર્થિક રીતે નબળા વર્ગના 1206 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ડી. કે. સ્વામી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું હતું.

રાજ્યમાં ચાલતા સમરસ છાત્રાલયોની વિગતો આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હાલ 10 જિલ્લાઓમાં 20 સમરસ છાત્રાલયો
કાર્યરત છે, જેમાં 10 કન્યા અને 10 કુમાર છાત્રાલયો કાર્યરત છે.
વર્ષ 2024-25માં નવા 3 નવા સમરસ છાત્રાલયો શરૂ કરવાનું આયોજન છે. જેમાં ગાંધીનગર ખાતે 500 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું સમરસ કુમાર છાત્રાલય, મોડાસામાં 250 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું એક કુમાર તથા એક કન્યા સમરસ છાત્રાલય શરૂ કરવાનું આયોજન છે, તેમ પણ મંત્રીએ પૂરક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
