For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આ 15 સંગીત વાદ્યો સાથે લુપ્ત થઇ રહી છે સંસ્કૃતિ, પણ કોને પરવા છે?

|
Google Oneindia Gujarati News

સંગીતની વાત આવે એટલે મનમાં આપોઆપ સા રે ગા મા પા... છેડાઇ જાય છે. કોઇને કોઇ ગીત કે ધૂન મનમાં રણકવા લાગે છે. આ સાથે જ દિવસભરનો થાક ક્યાં વિસરાઇ જાય છે તેનો ખ્યાલ આવતો નથી. પણ આ વિસરાઇ જવાની પ્રક્રિયામાં આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને પણ ભૂલીને આગળ ચાલી રહ્યા છીએ. ગુજરાતમાં લોક વાદ્યોની વિશાળ શ્રેણી છે અને નજીકના ભવિષ્યમાં હતી લખવામાં આવે તો નવાઇ પામવા જેવું નથી. ખાસ કરીને ગુજરાતના આદિવાસીઓ અને પશુપાલકો કેવા અદભુત સંગીત સૂરો રેલાવતા વાદ્યો વગાડતા હતા તેનો ખ્યાલ પણ આપણને નથી. આવા જ કેટલાક વાદ્યો લુપ્ત થવાના આરે છે. પણ કોને પરવા છે? તમને છે ને તો આગળ ક્લિક કરીને જાણો કયા છે એ વાદ્યો...

પાવરી

પાવરી

ડાંગના આદિવાસીઓમાં આ લોકપ્રિય વાદ્ય છે. પહેલાના સમયમાં પાવરી બનાવવા માટે ગાય કે બળદના શિંગડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે પતેના માટે તાડપત્રીનો ઉપયોગ કરવામાં આવે છે. શિંગડા કે તાડપત્રી ઉપરાંત બે વાંસળી અને પાકીને સૂકાઈ ગયેલી દૂધીના એકીકરણથી પાવરી બને છે.

સુંદરી

સુંદરી

સાતથી નવ છિદ્રોવાળું આ એક એવું નાનકડું વાદ્ય છે જે જાણકાર દ્વારા બહુ સરળતાથી વગાડી શકાય છે. જોકે હવે આ વાદ્ય બહુ પ્રચલિત નથી. સુંદરી એ કચ્છની લંગા જાતિનું પારંપારિક વાદ્ય છે.

સુરાંદો

સુરાંદો

સુરાંદો કચ્છનું એક પ્રાચીન તંતુવાદ્ય છે. સારંગી જેવું લાગતું આ વાદ્ય કચ્છના લોકસંગીતમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગજથી વાગતું આ વાદ્ય સિંધ અને પાકિસ્તાનના સરિંદા નામના વાદ્ય સાથે મળતું આવે છે.

રાવણહથ્થો

રાવણહથ્થો

રાવણહથ્થો પણ ગજ દ્વારા વાગતું એક તંતુવાદ્ય છે. રાજસ્થાન ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ રાવણહથ્થો વગાડવામાં આવે છે.

એકતારો

એકતારો

એકતારો પણ એક તંતુવાદ્ય છે પરંતુ એ હાથની પહેલી આંગળી વડે જ વગાડવામાં આવે છે. કૃષ્ણભક્ત મીરાં ભજન ગાતા સમયે એકતારો વગાડતાં હતાં. હવે એનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે.

પકાની/પનાર

પકાની/પનાર

પકાની/પનાર નામે ઓળખાતું વાદ્ય બેથી ત્રણ ફૂટ લાંબુ હોય છે. જેના છેડે ચાર છિદ્રો હોય છે. તેને મોઢેથી વગાડવામાં આવે છે. તે વાંસળીને મળતું આવે છે. આ વાદ્ય કચ્છ ઉપરાંત બલૂચિસ્તાન, ઈરાન અને તુર્કિસ્તાનમાં પણ પ્રચલિત છે.

નાગફણી

નાગફણી

નાગ જેવું દેખાતું અન્ો મોઢેથી વાગતું કચ્છનું પ્રાચીન વાદ્ય છે. પિત્તળમાંથી બનતું આ વાદ્ય નાગના આકારનું જ હોવાથી એને નાગફણી કહેવામાં આવે છે. જોકે આ વાદ્ય હવે નામશેષ થઈ ગયું છે.

મોરચંગ

મોરચંગ

મોરચંગને તંતુવાદ્ય કહી શકાય. આ વાદ્ય ખિસ્સામાં મૂકી શકાય એવું હોય છે. જો કે તેનો ધ્વનિ ખૂબ મોટો અને મનમોહક હોય છે. લોખંડ અને પિત્તળમાંથી બનાવાયેલા આ મોરચંગનો ઉપયોગ ભરવાડ કે વણઝારા કરે છે. કચ્છી લોકસંગીતમાં લંગાગાયકો દ્વારા આ વાદ્યનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.

જોડિયા પાવા

જોડિયા પાવા

જોડિયા પાવા એ બે વાંસળીની જોડને સામાન્ય વાંસળીની જેમ મોઢેથી ફૂંક મારીને વગાડવામાં આવે છે. આ બે વાંસળીમાં એક નર અને એક માદા હોય છે. જે વીસથી બાવીસ ઈંચ લાંબા હોય છે. રણપ્રદેશમાં ઘેટાં ચરાવનારા ભરવાડો ખૂબ તન્મયતાથી જોડિયા પાવા વગાડે છે.

ભૂંગળ

ભૂંગળ

ભવાઇમાં તે મુખ્ય વાદ્ય ગણવામાં આવે છે. ભુંગળ અંદાજે 4થી 5 ફૂટ લાંબુ હોય છે.

થાળી વાદ્ય

થાળી વાદ્ય

મધ્યમ આકારની કાંસાની થાળીમાં ખાસ પ્રકારનું મીણ લગાડેલી એક પાતળી સળી ઊભી રાખવામાં આવે છે. સરબાહ કે ભાંગાર નામની વનસ્પતિની સળીને સર કહેવામાં આવે છે. અઢીથી ત્રણ ફૂટનો સર હોય તો થાળી સારી વાગે છે.

કહાળી

કહાળી

શરણાઇ જેવું લાગતું આ વાદ્ય જંગલમાં ગાયો ચરાવવા જતા ગોવાળિયા અને માલધારીઓ દ્વારા વગાડવામાં આવે છે.

માદળ

માદળ

મૃદંગ જેવું દેખાતું આ વાદ્ય બીયાના કે સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે. અંદાજે ચાલીસ ઈંચ લાંબા માદળના મુખ પરના ચામડાને ડાંગી લોકો 'ઘોદ' કહે છે. ઘોદ પર વચ્ચે મીણ લગાડવામાં આવે છે. મૃદંગની જેમ માદળનું મુખ એક બાજુથી નાનું અને બીજી બાજુથી મોટું નથી હોતું. માદળનો આકાર સળંગ એકસરખો જ હોય છે. માદળનો અવાજ ભારે હોવાથી એ લગ્નપ્રસંગે દેવગીતો ગાતી વેળાએ વગાડવામાં આવે છે.

ઢાંક/ઢાંકા

ઢાંક/ઢાંકા

ડમરું જેવા આકારનું આ વાદ્ય નવથી દસ ઈંચ લંબાઈનું હોય છે. ઢાંકની જમણી બાજુને 'કુડપી' અને ડાબી બાજુને 'થાપ' કહેવાય છે. કુડપીને વાંસમાંથી બનાવાય છે અને શણની દોરીથી તેને ધનુષ જેવો આકાર આપવામાં આવે છે. ઢાંકની વિશેષતા એ છે કે એને પગની પીંડી પર બાંધીને વગાડવામાં આવે છે. પગમાં ઢાંક સાથે ઘૂઘરા બાંધી તાલ આપવામાં આવે છે.

નાલ

નાલ

આ ઢોલક જેવું દેખાતું એક બાજુથી સાંકડું અને બીજી બાજુથી પહોળું વાદ્ય છે. ઢોલકની તુલનામાં નાલનો અવાજ થોડો તીણો પણ મધુર હોય છે. કોઈ પણ પ્રકારના નૃત્ય કે ગીત ગાતી વેળાએ નાલ વગાડવામાં આવે છે.

English summary
15 musical instruments are extinct from Gujarati culture, who cares?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X