અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ઈમિગ્રન્ટ્સ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, જાણો સૌથી વધુ ક્યાંના?
અમેરિકામાંથી ગેરકાયદે ઇમિગ્રેશન માટે ડીપોર્ટ થયેલા 104 ભારતીયોમાંના 33 ગુજરાતીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમૃતસરથી આવેલી ફ્લાઇટમાં 33 ગુજરાતીઓ હતા, જેમાં કેટલાક બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. તેમના આગમન બાદ પોલીસ વાહનો દ્વારા તેમને તેમના મૂળ સ્થાને મોકલવામાં આવ્યા છે.

જી ડિવિઝનના અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ આર.ડી. ઓઝાએ જણાવ્યું કે, 33 ગુજરાતી ઇમિગ્રન્ટ્સમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે, તેમને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. તેઓ યુએસથી ડીપોર્ટ થયેલા લોકોમાંથી છે. તેમને તેમના મૂળ સ્થાને પહોંચાડવા માટે પોલીસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
મીડિયાકર્મીઓએ ડીપોર્ટ થયેલા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ કશું બોલવાનો ઇનકાર કર્યો અને પોલીસ વાહનો દ્વારા તેમના મૂળ સ્થાને રવાના થઈ ગયા. સુત્રો અનુસાર, આ લોકોમાં મોટાભાગના મહેસાણા, ગાંધીનગર, પાટણ, વડોદરા અને ખેડા જિલ્લાના છે.
યુ.એસ. મિલિટરી એરક્રાફ્ટ દ્વારા 104 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ જેમાં 33 ગુજરાતીઓ પણ સામેલ હતા તેમને બુધવારે 5 ફેબ્રુઆરીએ અમૃતસર લાવવામાં આવ્યા હતા. ગુજરાતના આ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના પરિવારીજનોએ દાવો કર્યો છે કે તેમને ખબર નથી કે તેમના સગાં કેવી રીતે વિદેશ પહોંચ્યા.
ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે ડીપોર્ટ થયેલા ગુજરાતીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને જણાવ્યું કે તેઓ નોકરી અથવા કારકિર્દીની શોધમાં વિદેશ ગયા હતા અને તેમને ગુનેગાર તરીકે ઓળખવામાં ન આવે. સીઆઈડી-ક્રાઇમના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પરીક્ષિતા રાઠોડે જણાવ્યું કે આ સ્ટેજ પર પોલીસ ડીપોર્ટીસ પર પ્રશ્નો નહીં કરે.












Click it and Unblock the Notifications
