જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 54 ટકા મતદાન, 22 જુલાઇએ પરિણામ
જૂનાગઢ, 21 જુલાઇ : રવિવાર, 20 જુલાઇ, 2014ના રોજ યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 54.17 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીનું પરિણામ 22 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે.
જૂનાગઢ મહાનગર પાલિકાના 20 વોર્ડની 59 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 156 ઉમેદવારો ઉભા રહ્યા હતા. આ માટે 279 મતદાન મથકો પર વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી યોજાયેલી મતદાન પ્રક્રિયામાં કુલ 57.29 ટકા પુરૂષ મતદારો અને 50.82 ટકા સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું.

મહાનગરપાલિકાની ચૂંટણી સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થયા બાદ ચૂંટણી સ્ટાફ ઈવીએમ સીલ કરી બહાઉદ્દીન કોલેજ ખાતેના ડિસ્પેચ સેન્ટરમાં ઈવીએમ જમા કરાવ્યા હતા. ત્યાર બાદ તમામ 279 ઈવીએમને કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એન્જીનિયરીંગ કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુકવામાં આવ્યા છે.
ચૂંટણી દરમિયાન બે-ત્રણ નાના બનાવોને બાદ કર્યા બાદ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.ચૂંટણી પૂર્ણ થતા રાજકીય પક્ષોએ વોર્ડવાઈઝ બુથ પર થયેલા મતદાનના આધારે અંદાજ લગાવવામાં લાગી ગયા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકાની મતગણતરી 22 જુલાઇના રોજ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કૃષિ એન્જીનીયરિંગ કોલેજ અને ટેકનોલોજી કોલેજ ખાતે તૈયાર કરાયેલાના સ્ટ્રોંગ રૂમમાં યોજાશે અને બપોર સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જશે.












Click it and Unblock the Notifications
