વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૨ની ઉજવણી અંગે બેઠક યોજાઈ
વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીના આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીના આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. આ વર્ષે 'પોષણ માહ’ માં ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને મુખ્ય આધાર રાખી 'પોષણ પંચાયત’ બનાવવા પર ભાર મુકી મહિલા સ્વાસ્થ્ય, બચ્ચા અને શિક્ષા (પોષણ ભી પઢાઈ ભી), જાતિગત સંવેદનશીલ (જેન્ડર સેન્સેટીવ) જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદીવાસી વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવા ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમોના આયોજન અંગે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ, ઓળખ માટે સ્ક્રીનિંગ કેમ્પ, મહિલાઓ અને કિશોરીઓમાં માસિક સ્ત્રાવની સ્વચ્છતા, એનિમિયા નિવારણ, યોગ્ય સ્તનપાન, પ્રસૂતિની સંભાળ, કિશોરોમાં ડાયાબિટીશ નિદાન કેમ્પ, વગેરે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવા, શિક્ષણ અને રમતગમત વિભાગ દ્વારા પોષણ મેળાઓનું, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, આંગણવાડીના બાળકો માટે સ્વસ્થ બાળક સ્પર્ધાનું, જળ સંરક્ષણ અને કૃષિ વિભાગ દ્વારા જિલ્લા જલ શક્તિ કેન્દ્ર દ્વારા આંગણવાડી કેન્દ્રોના મકાનોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સ્થાપવા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, વરસાદી પાણીના સંગ્રહ તકનીકો દર્શાવતા વર્કશોપનું તેમજ ગ્રામ પંચાયતોને 'મહિલા સ્વાસ્થ્ય’ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આદિવાસી વિસ્તારોમાં પણ પોષણ માહ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ, આઈસીડીએસના જ્યોત્સના પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી કે.એફ. વસાવા તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
