હવામાન સમાચાર: ભારે વરસાદ બાદ 76 જળાશયો છલકાયા, જાણો ડેમના જળસ્તરની સ્થિતિ
- ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ
- રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 78 ટકાથી વધુ જળસંગ્રહ
- ગત વર્ષે આજ દિવસે રાજ્યમાં કુલ 76 ટકાની સામે અત્યારે 78 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો
Heavy Rains in Gujarat, હવામાન સમાચાર: રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે, 100 ટકા જ્યારે 46 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યના 23 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 30 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 31 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.
જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 290547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે.
જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 407440 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 3.38 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યારે વણાકબોરી જળાશયમાં 2.87 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.87 લાખની જાવક, ઉકાઈમાં 2.47 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.46 લાખની જાવક, આજી-4માં 1.63 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.63 લાખની જાવક, કડાણામાં 1.50 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.25 લાખની જાવક તેમજ ઉંડ-1માં 1.19 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.19 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આ સિવાય વિવિધ 94 જળાશયોમાં 70 હજાર ક્યુસેકથી 1000 હજાર ક્યુસેક સુધીની પાણીની આવક થઈ રહી છે.
આ ઉપરાંત મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 87 ટકા, દક્ષિણ ગુજરાતના 13 માં 78 ટકા, સૌરાષ્ટ્રના 141 માં 66 ટકા, કચ્છના 20 જળાશયોમાં 61 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
આમ સરદાર સરોવર સાથે 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 78 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
