રાજ્યમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર, સૌથી વધુ ઘઉંનું વાવેતર
Agriculture News: સમગ્ર રાજ્યમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. એટલા માટે જ, રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ લાભદાયી નીવડશે.

વધુ વિગતો આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે. ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે.
ગત વર્ષે ગુજરાતમાં 2.61 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે. એટલે કે, ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં 202.58 ટકા જેટલો વધારો નોંધાયો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ધાન્ય પાકોમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે.
રાજ્યમાં આ વર્ષે કુલ 5.64 લાખ હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે તેલીબિયાં પાકોમાં સૌથી વધુ રાઈનું કુલ 2.64 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રવિ પાકોનું સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં સૌથી વધુ વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ 16.03 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં જીરાનું વાવેતર મહત્તમ નોંધાયું છે.
કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 13.70 લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 7.94 લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 3.10 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર નોંધાયેલું છે. રવિ ઋતુમાં હાલની સ્થિતીએ કૃષિ પાકોનું વાવેતર સંતોષકારક રીતે થયું છે, તેમજ સમગ્ર રાજ્યમાં પાકની પરિસ્થિતિ પણ એકંદરે સારી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આજે દ્વારકા, કચ્છ, ગીરસોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. આવતીકાલથી આકાશ સ્વચ્છ બની શકે છે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જે બાદ 3-4 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. જેના પરિણામે ઠંડીનુ જોર વધશે. 12 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. આ ઉપરાંત ડીસામાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, ભૂજ, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં, વડોદરા અને આણંદમાં 15 ડિગ્રી તેમજ અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.












Click it and Unblock the Notifications
