Banaskantha: 3 જાન્યુઆરીએ અંબાજીમાં માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ, 2100 કિલો સુખડીના પ્રસાદનું કરાશે વિતરણ
Banaskantha: શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 3 જાન્યુઆરી, 2026ના રોજ આદ્યશક્તિ મા અંબાનો પ્રાગટ્ય દિવસ એટલે કે 'પોષી પૂનમ' ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ મહોત્સવના સુચારૂ આયોજન માટે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સુરક્ષા અને સુવિધાઓ અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

ગબ્બરથી જ્યોત અને 40થી વધુ ઝાંખીઓ
પોષી પૂનમ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ ગબ્બર ગોખથી અખંડ જ્યોત લાવવામાં આવશે. ત્યારબાદ શક્તિદ્વારથી એક ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં 40થી વધુ વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર અંબાજી નગરી મા અંબાના જયઘોષથી ગુંજી ઉઠશે.
મહોત્સવના મુખ્ય આકર્ષણો
- મહાશક્તિ યજ્ઞ: મંદિર પરિસરમાં 101 યજમાનો દ્વારા મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે, જેનું શ્રદ્ધાળુઓ માટે જીવંત પ્રસારણ (Live Streaming) પણ કરવામાં આવશે.
- મહાપ્રસાદ: આ અવસરે 2100 કિલો સુખડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને ચાચર ચોકમાં પ્રસાદના વધારાના કાઉન્ટર્સ ખોલાશે.
- શાકંભરી અન્નકૂટ: પોષી પૂનમ શાકંભરી નવરાત્રીનો અંતિમ દિવસ હોવાથી માતાજીને વિવિધ શાકભાજીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે.
- સાંસ્કૃતિક કાર્યક્રમ: ચૌદશ અને પૂનમની રાત્રિએ ચાચર ચોકમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ
અધિક કલેક્ટર કૌશિક મોદીના જણાવ્યા મુજબ, યાત્રાળુઓને દર્શનમાં સરળતા રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવશે.
- વિનામૂલ્યે ભોજન: અંબિકા અન્નક્ષેત્રમાં આવતા તમામ ભક્તો માટે મિષ્ટાન સાથેના ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.
- સુરક્ષા: દાંતા ડીવાયએસપી અને અંબાજી પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા પર સીધી દેખરેખ રાખશે.
આ બેઠકમાં મંદિરના એસ્ટેટ ઓફિસર પાયલબેન પટેલ, ધાર્મિક ઉત્સવ સમિતિના પ્રમુખ સુનિલભાઈ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
