Amreli: નજીવી બાબતે ભાજપના મહિલા નેતા મધુબેન જોશીની હત્યા, તમામ આરોપીની ધરપકડ
Amreli: અમરેલી જિલ્લાના ધારીમાં ગુરૂવારના રોજ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપ નેતા મધુબેન જોશીની તલવાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીમાં પાડોશમાં રહેતા ત્રણ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો.
અમરેલી પોલીસે ઘટના સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવા સમયે, ભાજપના નેતાની હત્યાના કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ પહેલા બુધવારના રોજ કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.

મૃતક મધુબેનના પુત્રએ ઘટનાની હકીકત જણાવી - બનાવ અંગે મૃતક મહિલાના પુત્ર હિતેશ જોશીએ જણાવ્યું હતું કે, ત્રણ પૈકીના એક આરોપીને અગાઉ ફટાકડા ફોડવા બાબતે મારા ભાઈ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. સાંજના સમયે મારો ભાઈ બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે ફોર વ્હીલર તેના ઉપર દોડાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મારી માતા અને મારો ભાઈ વચ્ચે પડતા ભાઈ ત્યાંથી નીકળી ગયો હતો.
હિતેશ જોશીએ જણાવ્યું હતું કે, આ ત્રણ આરોપીઓએ મારી માતા અને મારા ભાઈ પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. મારી માતાના હાથ પર તલવારનો ઘા થયો અને તેનો હાથ કપાઈ ગયો હતો. જેમાં મારી માતાનું અવસાન થયું અને મારો નાનો ભાઈ હાલ હોસ્પિટલમાં દાખલ છે. તેમજ મારી માસીના પુત્રની આંગળીઓ કપાઈ ગઈ હતી.
આ કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઇ - અમરેલીના એસપી હિમકાર સિંહે જણાવ્યું છે કે, એક નજીવી બાબતે ઝગડો શરૂ થયો હતો, અને મારામારી થઈ હતી. મધુબેન જોશી પર આરોપીઓએ તલવાર વડે હુમલો કર્યો હતો, જેમાં મધુબેનના હાથની નસ કપાઈ ગઈ હતી અને તેણીનું મૃત્યુ થયું હતું.
અમરેલીના એસપી હિમકાર સિંહે જણાવ્યું છે કે, મધુબેન જોશી સામાજિક કાર્યકર અને રાજકીય નેતા છે. તેમનો પુત્ર રવિ જોશી પણ આ ઘટનામાં ઘાયલ થયો છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બે આરોપીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે ત્રીજો આરોપી પોલીસ કસ્ટડીમાં છે. હોસ્પિટલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
