Bhanuben Babariya Interview: મહિલાઓ સુધી તમામ લાભ પહોંચાડવા પ્રયત્નશીલ રહીશ
ભાનુબેન બાબરીયાએ કેબિનેટ મંત્રી બન્યા બાદ વનઈન્ડિયા ગુજરાતી સાથેની ચર્ચામાં પોતે આગામી પાંચ વર્ષમાં શું કામ કરશે તે અંગે જણાવ્યું હતું. તેમણે મહિલાઓના વિકાસ પર ભાર આપ્યો.
ભૂપેન્દ્ર દાદાના નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે. 8 કેબિનેટ મંત્રીઓ, અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ વનઈન્ડિયા ગુજરાત સાથે વિશેષ વાત કરી જેમાં તેમણે મહિલા કેબિનેટ મંત્રી તરીકે આગામી શું કામ કરશે તે બાબતે ચર્ચા કરી હતી. ભાનુબેન બાબરીયા ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી છે જેમને સામાજિક ન્યાય અને અધિકારી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્ય સીટ પરથી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જીત્યાં હતાં અને તેઓ BA, LLB ગ્રેજ્યુએટ છે.

ભાનુબેન બાબરીયાએ તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સંપૂર્ણ મોવળીમંડળ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાનુબેન બાબરીયાએ કહ્યું કે જે વિભાગની કામગીરી મારે કરવાની છે તેને અનુલક્ષીને સરકારની યોજનાઓનો પૂરેપૂરો લાભ લોકો સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી દરેક લાભ પહોંચે તેવા પ્રયત્નો કરીશ. છેવાડાનો માનવી અમારો લક્ષ્ય છે. બહેનો, બાળકો, વિદેશ અભ્યાસ માટેની જે યોજનાઓ છે તેનો લાભ લોકો સુધી પહોંચે તેના માટે સતતને સતત પ્રયત્નશીલ રહેશું.
મહિલાઓ માટે શું પ્રાથમિકતા હશે?
જ્યારે વનઈન્ડિયા ગુજરાતીના પત્રકાર જયેશ પાટડિયાએ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને મહિલાઓ માટે તમારી પ્રાથમિકતા શું હશે? પૂછ્યું જેના જવાબમાં ભાનુબેન બાબરીયાએ કહ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ એવું રાજ્ય બન્યું હતું જ્યાં સ્થાનિક સ્વરાજ્યમાં 50% હિસ્સેદારી પ્રથમ મહિલાઓને આપવામાં આવી અને સવિશેષ મહિલાઓનું ધ્યાન ગુજરાત અને દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રાખવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં જે બહેનો લક્ષી યોજનાઓ છે તે બહેનો સુધી પહોંચે તેના માટે સતત પ્રયત્નશીલ રહીશ અને વધુ સારું કેમ થાય તેના માટે પણ પ્રયત્ન કરીશ.












Click it and Unblock the Notifications
