
ભીખુસિંહ પરમાર: મોડાસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તા 17 નવેમ્બરના રોજ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં મોડાસાની બેઠક પરથી ભીખુસિંહ પરમારને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. તો ભીખુસિંહ પરમાર વિશે થોડુ જાણીએ. ભીખુસિંહ પરમારને પહેલી વખત વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી છે. 2012ની ચૂંટણી સમયે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરે ભાજપના દિલીપસિંહ પરમારને હરાવ્યા હતા. આ વખતે ભાજપ દ્વારા ભીખુસિંહ પરમાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
ભીખુસિંહ પરમારની રાજનૈતિક કારકિર્દીના વાત કરવામાં આવે તો તેઓ 2002ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર હતા. 2007ની વિધાનસભાની ચૂંટણી વખતે તેઓએ બસપામાંથી ટિકિટ મેળવીને ચૂંટણી લડી હતી. એ સમયે તેમને માત્ર 17596 મતો જ મળ્યા હતા. લાંબા સંઘર્ષ પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મોડાસા એક ઔધોગિક શહેર છે. નોટબંધી અને જીએસટીને લઇને અહીના વેપારી વર્ગને ઘણું નુકસાન થયુ હતું. હવે જોવાનું એ છે કે તેની અસર આ ચૂંટણીમાં થાય છે કે નહી?