ડેડિયાપાડા ખાતે ભુલકા મેળો અને નારી સંમેલનની ભવ્ય ઉજવણી કરાઇ
Bhulka Mela and Nari Sanmelan : બાળકોના સર્વાંગી વિકાસ અને મહિલા સશક્તિકરણને કેન્દ્રસ્થાને રાખીને નર્મદા જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા ડેડિયાપાડા તાલુકાના શારદા દેવી સ્કૂલના પટાંગણમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ બાળ અને નારી સંમેલનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે નાના ભૂલકાઓમાં સર્જનાત્મક અને ભાવનાત્મક શક્તિને ખિલવવા તેમજ બોદ્ધિક અને સામાજિક વિકાસ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો તથા તેડાગર બહેનો દ્વારા પણ બાળકોની યોગ્ય ઉછેર અને સારસંભાળ લેવામાં આવી રહી છે. વાલીઓનું યોગદાન પણ ખુબ જરૂરી છે. આજે બાળક હસતા હસતા શાળાએ જાય છે.

મહિલા સશક્તિકરણ સંદર્ભે સાંસદ શ્રી વસાવાએ જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારે મહિલા-દીકરીઓની સુરક્ષા અને ભવિષ્યની ચિંતા કરીને મહિલા સશક્તિકરણની દિશામાં નક્કર પગલા લીધા છે. કન્યા કેળવણી મહોત્સવના કારણે ગુજરાતની દીકરીઓ ભણીગણીને આજે પોતાના સપનાઓને સાકાર કરી રહી છે. દીકરીઓ ડોક્ટર, ઇજનેર, શિક્ષણ ક્ષેત્રે તેમજ મોટામોટા હોદ્દાઓ પર ફરજ બજાવી રહી છે. સરકારે વિવિધ કાયદાઓ, અધિકારો અને સુવિધાઓ ઉભી કરીને દીકરીઓને સુરક્ષિત કરી છે. મહિલાલક્ષી યોજનાઓ થકી આજે બહેનો આત્મનિર્ભર બની રહી છે.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે, આંગણવાડી કેન્દ્ર થકી બાળકો સહિત સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીના પોષણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવે છે. ત્યારે વાલીઓએ પણ આઈસીડીએસ વિભાગની વિવિધ પોષણલક્ષી યોજનાઓથી વાકેફ થઈને લાભાન્વિત થવું જરૂરી છે. ઉપરાંત શ્રીમતી વસાવાએ મહિલા સશક્તિકરણની દિશામાં સરકારે કરેલી કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ પ્રસંગે કાર્યક્રમમાં બાળકોના પોષણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ સહિત વાલીઓની જવાબાદારીઓ અંગે સંવાદ, મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી અને મહિલા સશક્તિકરણની દિશામાં સરકારે લીધેલા પગલા, કાયદાઓ, સુવિધાઓની પણ સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓએ સંવાદ સાધી માહિતીની આપ-લે કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આઈસીડીએસ સાથે સંકળાયેલા કર્મચારીઓને માતા યશોદા એવોર્ડ અને મહિલા સશક્તિકરણની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું.
સાંસદ મનસુખભાઈ વસાવા સહિતના મહેમાનોએ આઈસીડીએસ ઘટક દ્વારા ઉભા કરાયેલા બાળકોના સર્વાંગી વિકાસ, સર્જનાત્મક શક્તિ, સમજશક્તિને વિકસાવવા, જ્ઞાન સાથે ગમ્મતની વિવિધ પ્રવૃત્તિઓથી બાળકોના ઉછેર માટેની વિવિધ પ્રવૃત્તિઓ અને હાથથી બનાવેલી હાથ બનાવટની અવનવી કલાત્મક વસ્તુઓના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના અંતે બાળકોએ 'બમ બમ બોલે, મસ્તી મે ડોલે' ગીત પર મનમુકીને ઝુમ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, દેડિયાપાડા કેવીકેના વૈજ્ઞાનિક શ્રી મિનાક્ષીબેન તિવારી, જિલ્લાની તમામ આંગણવાડીઓના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીઓ, સગાઈ રેન્જના ફોરેસ્ટ ઓફિસર ઉન્નતિબેન પંચાલ સહિત સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
