ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વિઝિટિંગ ડૉક્ટર્સના માનદ વેતનમાં કર્યો વધારો
Gujarat government: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વિઝિટિંગ ડૉક્ટર્સના પ્રતિ વિઝિટ માનદ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં માનદ વેતનના દર નક્કી કરવામાં આવ્યા હતા.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સેવાભાવી ટ્રસ્ટો દ્વારા અનેક ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો સેવાકીય હેતુસર ચલાવવામાં આવે છે.
આવી હોસ્પિટલોમાં વિઝિટિગ ડૉક્ટરની સેવા સરળતાથી મળી રહે તે માટે રાજ્યની વિવિધ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના ટ્રસ્ટીઓ અને એસોશીએશન દ્વારા માનદ વેતનના દરમાં વધારો કરવા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા આ અંગેની રજૂઆતોને સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી હકારાત્મક પ્રતિભાવ આપતા વેતનમાં વધારો કરવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ઋષિકેશ પટેલે સુધારેલા દર અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોમાં વિઝિટિંગ ડૉક્ટરનો આશરે 50 કિમી સુધીના અંતર માટે માનદ વેતનનો દર અત્યારે રૂપિયા 700 છે, જેને હવે વધારીને રૂપિયા 1000 કરવામાં આવ્યો છે.
આવી જ રીતે, 51 થી 100 કિમી સુધીના અંતર માટે માનદ વેતનનો દર રૂપિયા 800થી વધારીને રૂપિયા 1250 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 100 કિમીથી વધારે અંતર માટે માનદ વેતનનો દર જે અત્યારે રૂપિયા ૯૦૦ છે, તેને વધારીને રૂપિયા 1500 કરવામાં આવ્યો છે.
નવા સુધારેલા વિઝિટિંગ દરના પરિણામે ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો તજજ્ઞ ડૉક્ટર્સની વધુ કાર્યક્ષમ સેવાઓ મેળવી શકશે, અને વધુમાં વધુ દર્દીઓ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી શકશે.












Click it and Unblock the Notifications
