ભાજપની અનામત વિરોધી નીતિનો પર્દાફાશ થયો : કોંગ્રેસ
ગુજરાતમાં ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી અને અનામત નાબૂદ કરવાની નીતિ ખુલ્લી પડી છે.
ગુજરાતમાં ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી અને અનામત નાબૂદ કરવાની નીતિ ખુલ્લી પડી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી અનામતનું પાલન ન કરવાની રાજ્ય ચૂંટણી પંચના નિર્ણયને લઇને ભાજપ સરકારને ઘેરી હતી. સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતુ કે, રાજ્ય ચૂંટણી આયોગના સચિવશ્રી દ્વારા તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને પત્ર લખેલ છે તે મુજબ ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં OBC માટે ૧૦ ટકા બેઠકો અનામત રહેશે નહીં. OBC અનામત રહેલી મહિલા અનામત સહિતની બેઠકોને સામાન્ય બેઠકમાં જાહેર કરીને ચૂંટણી જાહેરનામા સંબંધિત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. જે સરકારની ઓબીસી વિરોધી માનસિકતા દર્શાવતાં હોવાનું પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું.

ગુજરાત સરકારે OBCને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રીઝર્વેશન મળે તે માટે કમિશન રચીને વસ્તીના આધારે માપદંડો નક્કી કરવા કોઈ કાર્યવાહી કરેલ નથી. રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશને છ માસ જેટલો સમય થયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં અંતે ગુજરાતમાં ૩,૨૫૨ ગ્રામ પંચાયતોમાં ૧૦ ટકા OBC અનામતનો અમલ થશે નહીં. રાજ્યમાં ૫૨ ટકા જેટલી OBC સમાજની વસ્તી છે. રાજ્ય સરકારના નિર્ણયના કારણે OBC સમાજનું પ્રતિનિધિત્વ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી દૂર થશે. રાજ્ય સરકારના આવા તઘલખી નિર્ણયનો ભોગ OBC સમાજ બનશે. આવા નિર્ણયો કરીને રાજ્ય સરકાર OBC સમાજને હાંસિયામાં ધકેલી દેવા માંગે છે કે કેમ ?
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC સમાજને અનામતનો લાભ મળી રહે અને OBC સમાજને અન્યાય ન થાય તે માટે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચીને તેની કાર્યવાહી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને ૩,૨૫૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં OBC સમાજને અનામતનો લાભ આપવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. અનામત નાબૂદ કરવાની ભાજપાની નીતિ સામે આક્રમકતાથી લડત આપવાની તૈયારી પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
