બોટાદ કડદાકાંડમાં તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનનું રાજીનામું, નિર્દોષ ખેડૂતોને ફસાવાયાનો આરોપ
બોટાદ જિલ્લામાં કપાસની ખરીદીમાં ચાલતી કડદા પ્રથા (ખેત પેદાશમાંથી કચરાના નામે વજન કાપવાનો વિવાદ) ને લઈને ચાલી રહેલા વિવાદે હવે રાજકીય મોરચે ગરમાવો પકડ્યો છે.
આ કડદાકાંડમાં એક મોટો વળાંક આવ્યો છે, જ્યાં બોટાદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન સુમિત પરમારે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

સુમિત પરમારે પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને સુપરત કર્યું છે. રાજીનામા પાછળનું જે કારણ તેમણે દર્શાવ્યું છે તે અત્યંત ગંભીર છે અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી રહ્યું છે.
સુમિત પરમારે આક્ષેપ કર્યો છે કે, કડદાકાંડના વિવાદમાં જે કાર્યવાહી થઈ છે, તેમાં ઘણા નિર્દોષ ખેડૂતોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓ ખેડૂતોના ન્યાય માટે પોતાની સત્તાનો ત્યાગ કરી રહ્યા છે. એક સત્તાધારી પક્ષના નેતા દ્વારા જ આ પ્રકારનો ગંભીર આક્ષેપ કરીને રાજીનામું આપવું એ બોટાદના રાજકારણમાં એક મોટો ભૂકંપ છે.
આ રાજીનામાથી સ્પષ્ટ સંકેત મળે છે કે કડદાકાંડનો વિવાદ હવે માત્ર ખેડૂત અને વેપારીઓ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ તેણે હવે રાજકીય અને ન્યાયિક ક્ષેત્રે પણ ગૂંચવણ ઊભી કરી છે. તેમના આ પગલાને ખેડૂત સંગઠનો અને વિપક્ષ તરફથી મોટું સમર્થન મળી શકે છે, જ્યારે જિલ્લા ભાજપ સંગઠન માટે આ એક મોટો પડકાર બની ગયો છે.












Click it and Unblock the Notifications
