• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યની 5 ઇજનેરી કોલેજોમાં સેન્ટર ઓફ એક્સેલન્સ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 સપ્ટેમ્બરઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંઘીનગરમાં ઉચ્ચ શિક્ષણમાં ગુણાત્મક સુધારણાના સેમિનારનુ સમાપન કરતાં યુનિવર્સિટીઓની જ્ઞાન સંપદા અને માનવ સંશાધન શક્તિને દેશના અને સમાજના વિકાસમાં જોડવાનું પ્રેરક આહવાન કર્યું હતું. આપણી સાંસ્કૃતિક વિરાસતમાં 1800 વર્ષનો વિશ્વ વિદ્યાલયોનો જ્ઞાન વારસો રહેલો છે, તેનું ગૌરવ કરીને વિશ્વને અને સમાજને યુનિવર્સિટીઓ નિર્ણાયક જ્ઞાનસંપદા આપી શકે એમ છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઉપક્રમે પ્રો. ભીખુ પારેખ પ્રેરિત આ ઉચ્ચ શિક્ષણ વિષયક સેમિનારમાં ગણમાન્ય શિક્ષણવિદો અને યુનીવર્સિટીઓના કુલપતિઓએ સમૂહ ચિંતન કર્યું હતું. આ તકે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને સિમેન્સ ઇન્ડિયા વચ્ચે રાજ્યની પાંચ ઇજનેરી કોલેજોમાં સેન્ટર ઓફ એક્સલેન્સસ સ્થાપવાના પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપના સમજૂતિના કરારો થયા હતા.

11 સપ્ટેમ્બરના ઐતિહાસિક દિવસની 19મી સદી અને 21મી સદીની ઘટનાઓની ભૂમિકા આપતાં મોદીએ કહ્યું કે, અમેરિકાની ધરતી પર માનવીય સંવેદના અને વસુધૈવ કુટુમ્બકમની સ્વામિ વિવેકાનંદની આદ્યાત્મિક પ્રેરણા એ 19મી સદીની ઘટના હતી તો 21મી સદીમાં અમેરિકામાં અમાનવીય આંતકની ઘટનાએ વિશ્વને હચમચાવી નાંખ્યું હતું. આજે ગાંઘીનગરમાં 11મી સપ્ટેમ્બરે વિશ્વની ભાવિ પેઢી માટે શિક્ષણની નવી સોચ નવી દિશાનું મંથન થયું છે એમ જણાવી મોદીએ આની પ્રેરણા આપવા લોર્ડ ભીખુ પારેખને અભિનંદન આપ્યા હતા.

યુનિવર્સિટીઓના શૈક્ષણિક દાયિત્વની ભૂમિકા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં મોદીએ યુનિવર્સિટીનું મુખ્ય કામ શિક્ષા-દીક્ષા, સંશોધન અનુસંધાનનું છે તેની વ્યવસ્થાપનના બોજમાંથી વિભાજિત કરવી જોઇએ તેવું ક્રાન્તિકારી સૂચન કર્યું હતું. આ વિશ્વમાં યુનિવર્સિટીઓ 2600 વર્ષથી છે અને તેમાં ભારતની નાલંદા-તક્ષશિલા અને વલ્લભી યુનિવર્સિટી 1800 વર્ષ ની જાહોજલાલી હતી અને 800 વર્ષના આક્રમણોના કાળમાં પણ આપણે યુનિવર્સિટી શિક્ષણને ટકાવી શક્યા હતા પરંતુ કમનસીબે આઝાદી પછી આપણે આપણી યુનિવર્સિટીઓના પ્રાણ, ઓજ અને તેજ ઝાંખા પાડી દીધા છે, શા માટે આપણી યુનિવર્સિટીઓ દેશની ભવિષ્યની આવનારી પેઢીઓને ઓજસ્વી બનાવવા સશક્ત ના બને? એમાં શું ખૂટે છે? એવા વેધક પ્રશ્નો તેમણે કર્યા હતાં.

ભારતમાં ડિફેન્સ ઓફસેટ ઇક્વિપમેન્ટ શસ્ત્રોના ઉત્પાદન માટે કેટલો મોટો અવકાશ છે? ભારતમાં વિશાળ સમુદ્રકાંઠો છે પણ શિપીંગ ઉદ્યોગમાં ભારતનું યોગદાન બે ટકા પણ નથી. દક્ષિણ કોરિયા શિપીંગ મેન્યુફેક્ચરિંગમાં વિશ્વમાં પ્રભાવ કઇ રીતે ધરાવે? ગુજરાતમાં સદીઓ પહેલાં શિપીંગ ઉદ્યોગથી 1600 કીમીનો દરિયાકાંઠો ધબકતો હતો. આજે પણ ગુજરાતમાં શિપીંગ ઉદ્યોગના દબદબાનો મોટો અવકાશ છે, છતાં માનવસંસાધન શિક્ષણની સુવિધા નથી-એ જ પ્રમાણે ઓટો હબ બની રહેલા ગુજરાતમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં રોજગારીની વિપુલ તકો છે. ગુજરાત સરકાર તો આ બધા ક્ષેત્રોમાં કૌશલ્ય-તાલીમ અને કૌશલ્ય વર્ધનથી કુશળ માનવસંસાધન શક્તિ ઉભી કરવા આગળ વધી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.

આપણા પૂર્વજોએ વેદોમાં ભાખેલું છે કે વિશ્વમાં જે શ્રેષ્ઠ છે તે જ્ઞાનને આવવા દો પરંતુ આપણે જ્ઞાનના સીમાડા સીમીત કરી દીધા છે. વિદેશના શિક્ષણવિદો ઉત્તમ શૈક્ષણિક શિક્ષા-દીક્ષા માટે આવવા નથી દેતા એવું શા માટે? ખરા અર્થમાં તો ભારતીય મૂળના વિદેશામાં વસેલા 30 વર્ષના અનુભવી સંશોધકો-બૌદ્ધિકોની ટેલેન્ટ સર્ચ કરીને ભારતમાં તેમની જ્ઞાન-સંપદાનો સન્માનિત ધોરણે કેમ વિનિયોગ ના થાય? યુનિવર્સિટીઓ આ દિશામાં કોઇ વ્યવસ્થાપન કરે એવું સૂચન તેમણે કર્યું હતું- ખાસ કરીને નોન રેસીડેન્ટ ગુજરાતી એવા ઉત્તમ સંશોધકોમાંથી યુનિવર્સિટીઓમાં તેમના જ્ઞાનનો ઉપયોગ થઇ શકે એમ તેમણે જણાવ્યું હતું.

આપણે યુનિવર્સિટીઓ ઉત્તમ શિક્ષણ સંશોધકોની સેવાઓ લેવા માટે આત્મનિર્ભર બની શકે એમ છે તેનો અનુરોધ કરતા મોદીએ જણાવ્યું કે, યુનિવર્સિટીઓ ગુજરાતના કૃષિ મહોત્સવ, જ્યોતિગ્રામ જેવા વિકાસના સફળતમ અને ક્રાન્તિકારી આયોજનોના અભ્યાસ માટે શા માટે સામાજિક દાયિત્વની પહેલા ના કરે? આ માટે કોઇ વિશેષ વ્યવસ્થાની જરૂર નથી, આપણે માનસિકતા બદલીને આપણી સોચ વ્યાપક બનાવવાની જરૂર છે એમ તેમણે જણાવ્યું હતું.

યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને શા માટે ન્યાયંતત્રમાં ઇન્ટર્નશીપ જેવા અવસરો ના મળે? શહેરી માળખાકીય સુવિધા વિકાસ અને શહેરી આયોજનના ક્ષેત્રમાં શા માટે યુનિવર્સિટીઓ પહેલ કરીને ટેક્નોસેવા અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને જોડે નહીં? યુનિવર્સિટીઓ પાસે માનવસંસાધન શક્તિનો અખૂટ ભંડાર છે જ પરંતુ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયામાં તેનો વિનિયોગ કરવાની અને જોડવાની આવશ્યક્તા છે. ગુજરાતમાં આઇટીઆઇ દશ વર્ષ પહેલા તદ્દન ઉપેક્ષિત ક્ષેત્ર હતું આજે આઇટીઆઇનો દરજ્જો ગુણાત્મક પરિવર્તનથી ઉપર આવ્યો છે અને ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓ પોતાની સેવાઓ આઇટીઆઇ તાલીમ આપી શકે છે.

યુનિવર્સિટીઓએ રાજ્યના વિકાસમાં અને દેશની પ્રગતિના આયોજન સાથે સુસંગત એવા સંશોધન-અભ્યાસોને જોડવાની જરૂર છે. આજના બદલતા વિશ્વમાં વિકાસ સાથે યુનિવર્સિટીઓના જ્ઞાનસંપદા અને માનવસંસાધન બળને જોડવાની આશ્યકતા છે. શા માટે કેન્દ્ર અને રાજ્યોના બજેટના ઇન્પુટ યુનિવર્સિટીઓ ના આપી શકે એવો પ્રશ્ન તેમણે કર્યો હતો. લોર્ડ ભીખુ પારેખે સમાજમાં સંસ્કાર-સંસ્કૃતિના સંવર્ધન માટે શિક્ષણ સુધારણા સંશોધનોના અભિગમને આવકાર્યો હતો. ગુજરાતે આ દિશામાં દેશમાં પહેલરૂપ પરિસંવાદ યોજીને ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટેનું મંથન પ્લેટફોર્મ પુરૂ પાડ્યું છે.

ભારતમાં પ્રાચીન શિક્ષણ પ્રણાલીમાં વિદ્યાપીઠ-યુનિવર્સિટીઓએ શિક્ષા-દિક્ષાને પ્રાધાન્ય આપ્યું છે, સમયાનુકુલ પરિવર્તન સાથે હવે શિક્ષણ સુધારણા અને સંશોધનોને વિશેષ મહત્વ આપવું એ સમયની માંગ છે, તેવો નિર્દેશ લોર્ડ ભીખુ પારેખે કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે રાજ્ય-દેશની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થી જૂથોને રિસર્ચ પ્રોગ્રામ સ્ટડી માટે વિદેશની યુનિવર્સિટીઓમાં મોકલવા, વિદેશી યુનિવર્સિટીઓ સાથે ભારતીય યુનિવર્સિટીઓનું રિસર્ચ લિન્કેજ કરવું તથા વિદેશી યુનિવર્સિટીના વિવિધ વિષય તજજ્ઞોને ભારતમાં આમંત્રીને તેમના અનુભવ-જ્ઞાન સંશોધનોનો વ્યાપક લાભ લેવાના પ્રેરક સૂચનો કર્યા હતા.

ગુજરાતે આ એક દિવસીય પરિસંવાદ દ્વારા જે નૂતન વિચારમંથનનું નવનીત તારવ્યું છે તેનો ભવિષ્યની પેઢીઓના ઉચ્ચ શિક્ષણ સુધારણા માટે મહત્તમ અને યોગ્ય ઉપયોગ થાય તે માટેની ઇન્સ્ટીટ્યૂશન લાઇઝ્ડ વ્યવસ્થાની હિમાયત પણ તેમણે કરી હતી.

English summary
MOUs signed between Siemens Software Company and Department of Industries in presence of CM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X