અમદાવાદ એરપોર્ટ નજીક બાળક તસ્કરી રેકેટનો પર્દાફાશ, 15 દિવસનું બાળક મળી આવ્યુ
અમદાવાદ એરપોર્ટ નજીકથી ક્રાઈમ બ્રાન્ચે નવજાત બાળકની તસ્કરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી બાળકને હેમખેમ બચાવી લીધું છે.
ગુજરાત એટીએસની ચોક્કસ માહિતી બાદ કોટારપુર પંપીંગ સ્ટેશન પાસે હિંમતનગર તરફથી આવતી કાર રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી એક માસૂમ બાળક મળી આવ્યું જેની કોઈ ઓળખ નહોતી.

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બાળકને ૩.૬૦ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. આ ટોળકી બાળકને હૈદરાબાદમાં કોઈ એજન્ટને સોંપવાની ફિરાકમાં હતી ત્યારે જ પકડાઈ ગઈ.
આ આંતરરાજ્ય રેકેટના તાર ગુજરાત સહિત તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી જોડાયેલા હોવાની આશંકા છે. પોલીસે અત્યારે વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવની ધરપકડ કરીને જેલભેગા કર્યા છે.
ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશનમાં કાર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. હાલમાં બાળકને સુરક્ષિત રીતે ચાઈલ્ડ કેર સેન્ટરમાં સારવાર અને રક્ષણ માટે મોકલી આપવામાં આવ્યું છે.
આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કડક ગુનો નોંધીને તપાસ તેજ કરાઈ છે. આ કેસમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે પોલીસ અત્યારે ઊંડી તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
