જે રીતે ફીમાં તોતિંગ વધારા થઈ રહ્યા છે અને શાળા સંચાલકો મનમાની કરી રહ્યા છે તેમજ આ મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાં મૌન સેવી રહ્યા છે તો જોતા રાજકોટ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફી નિર્ધારણના પ્રશ્ને આજે કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં યોજાયેલા આશ્ચર્યજનક કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું પૂતળુ બનાવી મગજનું ઓપરેશન કરવાનો પ્રયાસ કરાતા પોલીસ આવી પહોંચી હતી અને વિરોધ પ્રદર્શન કરતા અટકાવતા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે શિક્ષણમંત્રી હાય હાય' ના નારા સાથે કાર્યકરોએ વિરોધ ચાલુ રાખ્યો હતો.
ફી નિર્ધારણ બાબતે શિક્ષણમંત્રીએ વિધાનસભાની ચૂંટણી પહેલા જે નિવેદન ર્ક્યુ હતું અને વાલીઓને હૈયાધારણ આપી હતી એ પછી ચૂંટણી પછી ફી નિર્ધારણના મામલે શાળા સંચાલકોની તરફેણ કરતા હોય તેવું નિવેદન આપતાં કોંગ્રેસે આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સામે આશ્ચર્યજનક કાર્યક્રમનું ર્ક્યું હતું.
એ દરમિયાન આજે કોંગ્રેસના આગેવાનો ઈન્દુભા રાઓલ, રણજીત મૂંધવા, ગોપાલભાઈ અનડકટ, રાજુભાઈ, ભાવેશ પટેલ, સુરેશભાઈ સીતાપરા વિગેરે સાથે કાર્યકરોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ જઈ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના પ્રતીકાત્મક મગજનું ઓપરેશન કરે એ પહેલાં જ પોલીસ આવી પહોંચી હતી અને પૂતળું હસ્તગત કરી લીધું હતું, એક તબક્કે પૂતળાની ખેંચાખેંચી થતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે પોલીસે પૂતળાનું મગજનું ઓપરેશન નિષ્ફળ બનાવ્યું હતું. એ પછી કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. તેમજ કાર્યકરોએ જિલ્લા શિક્ષણાધિકારીને પોતાની રજૂઆત પણ સુપ્રત કરી હતી.