• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો તેર તૂટેની સ્થિતિ નિષ્ફળતાનું કારણ

|

ગાંધીનગર, 25 નવેમ્બર : ગુજરાતના રાજકારણમાં 1990 પછીની સ્થિતિ સાવ બદલાઇ ગઇ છે. ભાજપનું વર્ચસ્વ વધતું ચાલ્યું છે અને કોંગ્રેસ માટે આભ ફાટ્યું હોય ત્યારે થીંગડું ના દેવાય તેવી સ્થિતિ છે. સત્તા મેળવવા માટે લાળ ટપકાવતા નેતાઓ હોય ત્યારે પક્ષને ઊંચો લાવવાની વાત હવામાં છૂ થઇ જાય છે. ગુજરાતમાં કોંગ્રેસ આવી જ પરિસ્થિતિની પીડા ભોગવી રહી છે.

કોંગ્રેસમાં કાર્યકરો પોતાને નેતા માને છે. આ કારણે દરેક ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યારે તેર તૂટે એવી સ્થિતિ ઉભી થતી હોય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં પણ એવું જ થયું છે. કોંગ્રેસે કોઠી ધોઇને કાદવ કાઢ્યો છે. પક્ષમાં શિસ્ત લાવવા પગલાં તો ભર્યાં છે પણ શિસ્ત આવવાને બદલે પરિસ્થિતિ વધારે વણસી ગઇ છે.

ગુજરાતમાં ચૂંટણીની પ્રથમ તબક્કા માટેની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસના આગેવાનોએ તેમના કાર્યકરો સાથે મળીને હૂંસાતૂસીનો ખેલ શરૂ કરી દીધો. વિરોધ પક્ષના ઉમેદવારોને હરાવવાની રણનીતિને બદલે પોતાના જ પક્ષના અન્ય ઉમેદવારોના ગાભા કાઢી નાખવા માટે પોતાની બધી શક્તિ કોંગ્રેસના ઉમેદવારો ખર્ચી નાખે છે. એક બીજાના ટાંટિયા ખેંચની ધમાલમાં ઘી-કેળાં ભાજપના ઉમેદવારોને થઇ જતા રહ્યા છે.

આ ચૂંટણીઓની વાત કરીએ તો પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે બળવંતસિંહ રાજપૂતને ટિકીટ આપતાં સ્થાનિક કોંગ્રેસના ર્યકારોમાં રોષ ઉભો થયો અને અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. કાર્યકરોએ દેખાવો અને સુત્રોચ્ચારની સાથે ધમાલ કરીને સંતોષ માન્યો.

ચૂંટણી આવી નથી કે કોંગ્રેસમાં ખુલ્લેઆમ જૂથવાદ અને વિરોધ પ્રદર્શનો સપાટી ઉપર આવી જાય છે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરોએ અસંતોષને કારણે રાજીનામાં ધરી દીધાં હતાં. જામનગર જિલ્લામાં ખંભાળીયામાં કોંગ્રેસે ટિકીટ ન આપતા પૂનમબેન માડમે ભાજપમાંથી દાવેદારી નોંધાવી દેતા કોંગી કાર્યકરોમાં નારાજગી હતી. કચ્છમાં ભૂજ માટે આદમ ચાકીને ટિકીટ ન મળતા કોંગી કાર્યાલયમાં તોડફોડ કરી કાર્યકરોએ સૂત્રોચ્ચાર પોકાર્યા હતાં.

કોંગ્રેસનો જૂથવાદ માત્ર ચૂંટણી પૂરતો મર્યાદિત રહેતો નથી. પાર્ટી વિથ ડિફરન્સ ગણાતા ભાજપમાં અન્ય પક્ષમાંથી આવતા આગેવાનો અને કાર્યકરોને તેમની ક્ષમતા મુજબની જવાબદારી આપવામાં કોઇ પાછીપાની કરવામાં આવતી નથી. જેનો સીધો ફાયદો પક્ષને પહોંચે છે. બીજી તરફ કોંગ્રેસમાં અન્ય પક્ષમાંથી આવતા આગેવાનો સાથેનો ભેદભાવ દરેકના કોંગ્રેસીના દિલમાં કાયમ રહે છે. આ કારણે જ ગુજરાતમાં કોઇ પણ મહત્વની કામગીરીમાં ઘણી વાર અંધારામાં ગોરીબાર કરવાની સ્થિતિ ઉભી થાય છે.

આનું સૌથી મોટું ઉદાહરણ શંકરસિંહ વાધેલાનું છે. ભાજપમાંથી અલગ થઇને પોતાનો અલગ પક્ષ રચનારા શંકરસિંહ વાઘેલાની તાકાત અને નરેન્દ્ર મોદીને ટક્કર આપવાની ક્ષમતા જોઇને કોંગ્રેસે તેમને વાજતે ગાજતે આવકારી તો લીધા પણ મૂળ કોંગ્રેસી નેતાઓ તેમને પોતાના દિલામાં આવકાર આપી શક્યા નથી. આજે પણ કોંગ્રેસાના નેતાઓ શંકરસિંહ અને તેમના સમર્થકોને આગળ આવતા રોકવા માટે ધમપછાડા કરતા રહે છે.

બીજી તરફ શંકરસિંહ વાઘેલા પણ ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારીની કહેવતને સ્વીકારીને ચાલી રહ્યા છે. કોંગ્રેસને ગુજરાતના સિંહાસન પર બેસાડી ના શક્યા એટલે કેન્દ્રમાં જે ખાતું મળ્યું એ લઇને બેસી ગયા છે. કોંગ્રેસમાં આવ્યા બાદ ગાજ્યા એટલા વરસી નહીં શકનારા શંકરસિંહના નખ કોંગ્રેસીઓને કારણે બુઠ્ઠા થઇ ગયા હોવાનું માનવામાં આવે છે.

ભાજપને ધોળે દિવસે તારા દેખાડવાના સપના જોતીં કોંગ્રેસ પોતાનામાં રહેલી યાદવાસ્થળીને પહોંચીવળવા સક્ષમ નથી. ગુજરાત વિધાનસભા ચૂંટણીની ટિકીટ ફાળવણીમાં વહાલા દવલાંની નીતિ આપનાવવામાં આવી હોવાની વાતોએ કોંગ્રેસી કાર્યકરોને વધારે ભડકાવ્યા હતા. જેના કારણે પ્રદેશ પ્રમુખનું સન્માન જાળવવાને બદલે તેમના પૂતળાનું દહન કરતાં પણ કાર્યકરો ખચકાયા ન હતી.

કોંગ્રેસમાં કેન્દ્રીય સ્તરે જેટલી શિસ્ત છે તેનાથી વિપરીત સ્થિતિ ગુજરાતમાં જોવા મળે છે. આ કારણે જ જ્યારે કામ કરવાનો ખરો સમય આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પક્ષનો બળવો ખાળવામાં વ્યસ્ત થઇ જાય છે. આ કારણે પાયાના સ્તરે કાર્યકરોનું જે નેટવર્ક વિસ્તારવાનું અને તેમને મજબૂત કરવાનું કામ બાજુ પર રહી જાય છે. આ કારણે ગુજરાત કોંગ્રેસની નિષ્ફળતા માટે અન્ય પક્ષો કરતા કોંગ્રેસીઓ જ વધારે જવાબદાર છે. ગુજરાત વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં કોંગ્રેસના પ્રદર્શનના આંકડા જોઇએ તો રાજ્યમાં ગુજરાત કોંગ્રેસની સ્થિતિ સુધરી રહી છે. તેની બેઠકોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, પણ ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ત્યારે જ મેળવી શકશે જ્યારે કોંગ્રેસમાં જેનું ખાવું તેનું ખોદવાની આદત દૂર થશે. ત્યારે જ ગુજરાતમાં કોંગ્રેસના પંજાની પકડ મજબૂત બનશે એમ લાગી રહ્યું છે.

English summary
Congressmen are main reason for congress defeat in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more