Crime News : યુવકના મોત બાદ પોલીસ સામે કાર્યવાહીની માંગ, પોલીસ કસ્ટડીમાં હેરાન કર્યાનો આરોપ
Crime News : પોલીસ કસ્ટડમાં મોકલ્યાના મહિના બાદ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ 28 વર્ષીય યુવકનું મોત થયું હતું, જે બાદ મૃતકના પરિવારજનોએ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. લગભગ એક મહિના પહેલા મૃતકના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, બોટાદ જિલ્લામાં એક નજીવી બાબતે ત્રણ પોલીસે કસ્ટડીમાં લઇને યુવકને હેરાન કર્યો હતો.
મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આરોપી પોલીસકર્મીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોલિયાએ જણાવ્યું હતું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના આદેશ પર પોલીસ સ્ટેશન અને સારવાર લઈ રહેલી હોસ્પિટલોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈ ઉસ્માનનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યાંથી તેમને ભાવનગરની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. સંબંધીઓનું કહેવું છે કે, ઉસ્માનને 14 એપ્રિલના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તે મોટરસાઇકલના કાગળો રજૂ કરવામાં નિષ્ફળ જતાં પૂછપરછ માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો.
સંબંધીઓનો આરોપ છે કે, ત્રણ પોલીસકર્મીઓએ પોલીસ સ્ટેશનમાં યુવકને ટોર્ચર કર્યો અને જ્યારે તેઓ (સંબંધીઓ) મોટરસાઇકલના દસ્તાવેજો બતાવ્યા ત્યારે જ તેને જવા દીધો હતો.
17 એપ્રિલે યુવકે માથાના દુખાવાની ફરિયાદ કરતાં તેને બોટાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને સારવાર માટે ભાવનગર લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ભાવનગર હોસ્પિટલના તબીબોએ તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન રવિવારના રોજ તેનું મોત નીપજ્યું હતું.
ઘાંચી કોમ્યુનિટી બોડીના પ્રમુખ મુબારક ઈસ્માઈલ ઘાંચીએ પોલીસ પર ખોટા બહાને ઉસ્માનની અટકાયત કરવાનો અને પોલીસ સ્ટેશનમાં તેને માર મારવાનો આરોપ મૂક્યો, જેના પરિણામે માથામાં જીવલેણ ઈજાઓ થઈ હતી.
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, યુવકે કસ્ટડીમાં લીધાના ત્રણ દિવસ પછી 17 એપ્રિલની સાંજે અસ્વસ્થતા અનુભવવાની ફરિયાદ કરી હતી, પરંતુ તે દરમિયાન તે સંપૂર્ણ રીતે ઠીક હતો અને રોજિંદા પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતો.
બલોલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ઉસ્માનના પરિવાર દ્વારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી પર વચગાળાનો આદેશ પસાર કર્યો હતો અને પોલીસ અધિક્ષકને પોલીસ સ્ટેશન તેમજ જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો હતો તે બે હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
