કમોસમી વરસાદને કારણે પાકને થયું નુકાસાન, કોંગ્રેસે કરી ખેડૂતોને વળતર આપવાની માંગ
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. બુધવારના રોજ પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, આ સાથે વાતાવરણ સમગ્ર દિવસ દરમિયાન વાદળછાંયું રહે છે.
આ સાથે આગામી 3 દિવસ પણ વરસાદ પડશે, તેવી આગાહી કરવામાં આવી છે. જે કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ દરમિયાન કોંગ્રેસે બુધવારના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનનો તાત્કાલિક સર્વે કરવાની અને ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી છે.
ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સરકારે આપેલા આશ્વાસનથી વિપરીત ખેડૂતોને હજુ સુધી કોઈ રાહત આપવામાં આવી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આ વર્ષે એક કરતા વધુ વખત કમોસમી વરસાદ થયો છે. ઘઉં, જીરૂ, જુવાર-બાજરી તેમજ કેરી જેવા પાકોને ભારે નુકસાન થયું છે. તેમજ ઘાસચારો પણ ઉપલબ્ધ નથી, જેના કારણે પશુપાલકો ચિંતામાં મૂકાયા છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. થોડા દિવસો પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં છે અને મુખ્યમંત્રી ટૂંક સમયમાં ખેડૂતો માટે આર્થિક સહાયની જાહેરાત કરશે.












Click it and Unblock the Notifications
