'બિપોરજોય' વાવાઝોડુ પહોંચ્યુ પોરબંદરની નજીક, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
અરબ સાગરમાં સર્જાયેલ 'બિપોરજોય' વાવાઝોડુ હવે અતિ પ્રચંડ બની શકે છે એ સ્થિતિમાં તે નલિયા અને કરાંચી વચ્ચે ટકરાશે. હાલમાં તે પોરબંદરથી માત્ર 290 કિમી દૂર છે.
વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કહી હતી. જેમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.

તમને જણાવી દઈએ કે વાવાઝોડુ 'બિપોરજોય' ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે અને તે ગુજરાતને ટકરાવાનુ નક્કી છે. તે આગામી 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે ટકરાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
નોંધનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમવારે 'બિપોરજોય' વાવાઝોડાની આગાહીના પગલે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની સ્થિતિ અને તંત્રની સજ્જતા બાબતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
વળી, વાવાઝોડા અને અતિ ભારે વરસાદના સંકટ સામે દરિયાકાંઠાના 8 જિલ્લાઓમાં લેવાઈ રહેલા સાવચેતીના પગલાં અને તંત્રની સજ્જતાની વિગતો મેળવી સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 6827 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
કચ્છમાં આજે દરિયાકાંઠાના વિસ્તારમમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. દ્વારકામાં પણ આજે મધ્ય રાત્રિથી કલમ 144 લાગુ કરવામાં આવશે. હવામાન વિભાગે સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરી છે. સોમવારે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થયો હતો. રાજ્યના કુલ 104 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી 15 અને 16 જૂને કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરાયા છે. આ ત્રણ જિલ્લામાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છ. સાવચેતીના પગલાં રુપે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા 137 ટ્રેનોમાંથી 90 ટ્રેનો રદ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
