Cyclone Biporjoy Update : ચક્રવાત બિપોરજોય અંગે PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લેટેસ્ટ અપડેટ
Cyclone Biporjoy Update : ચક્રવાતી વાવાઝોડા બિપોરજોયને કારણે ભારત સરકાર એલર્ટ મોડ પર છે. બિપોરજોય ગુરુવાર સાંજે સાડા ચાર કલાકે કચ્છ જિલ્લાના જખૌ બંદર પાસે દરિયાકિનારા સાથે ટકરાયું હતું.
ધીરે ધીરે આ ચક્રવાત નબળું થઇ રહ્યું છે. મળતી માહિતી મુજબ આ ચક્રવાતમાં અત્યાર સુધી 22 લોકો ઘાયલ થયા હતા. આ સાથે ઘણા ગામડામાં વીજ પુરવઠો ઠપ થઇ ગઇ છે.

PM મોદીએ તોફાન અંગે ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી દરમિયાન ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી હતી અને તાજેતરની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. તેમણે ગીરના જંગલોમાં સિંહો સહિત તમામ વન્ય જીવોના રક્ષણ માટે લેવાયેલા પગલાં વિશે પણ પૂછપરછ કરી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાતના કેન્દ્રનો વ્યાસ લગભગ 50 કિલોમીટર છે. તે 13-14 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે માંડવી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળ્યા હતા. દ્વારકા, ઓખા, નલિયા, ભુજ, પોરબંદર અને કંડલામાં ભારે વરસાદ પડી રહ્યો છે.
મહાપાત્રાનું કહેવું છે કે, ચક્રવાતને કારણે શુક્રવારના રોજ પણ કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડી શકે છે. ચક્રવાતથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન ત્યારે જ થશે, જ્યારે મોજા, વરસાદ અને પવન ઓછો થશે.
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસ, NDRF અને સેનાની ટીમો દેવભૂમિ દ્વારકામાં ઉખડી ગયેલા વૃક્ષો અને ઇલેક્ટ્રિક થાંભલાઓને હટાવવામાં રોકાયેલા છે. સૌથી વધુ અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં 631 મેડિકલ ટીમો અને 504 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા સંસ્થાઓને જણાવ્યું છે કે, ચક્રવાતની રિપોર્ટિંગમાં તૈનાત મીડિયા કર્મચારીઓએ સાવધાન રહેવું જોઈએ. આઈએમડીની ચેતવણી ચાર-પાંચ દિવસ અગાઉથી આવી રહી હતી. આ કારણોસર બચાવ અને રાહતની તૈયારીઓ અગાઉ કરવામાં આવી હતી.
18 જૂનથી દિલ્હીમાં પણ જોવા મળશે અસર - IMD અનુસાર, રાજસ્થાન બાદ ચક્રવાત દિલ્હી-હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધશે. 18 જૂનથી આગામી એક-બે દિવસ સુધી દિલ્હીની આસપાસના વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
જે બાદ સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થશે. બિહાર-ઝારખંડમાં અત્યારે હીટ વેવની સ્થિતિ છે, પરંતુ ચક્રવાતની અસરને કારણે 18 જૂન બાદ તાપમાનમાં ઘટાડો થશે.
પાકિસ્તાનમાં 82 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા - પાકિસ્તાનમાં પણ બિપોરજોય ચક્રવાતને પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યાં સિંધ પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 82 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વહીવટીતંત્ર ચક્રવાતને કારણે થયેલા નુકસાનને ઓછું કરવાના પગલાંમાં વ્યસ્ત છે.












Click it and Unblock the Notifications
