રાજ્યના 115 જળાશયો છલકાયા, 45 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ
Dams of Gujarat: ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 55 ટકાથી વધુ એટલે કે 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ 100 ટકા જ્યારે 45 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
આ સિવાય રાજ્યના 17 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 20 ડેમમાં 25 થી 50 ટકા વચ્ચે તેમજ 9 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 288248 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 86 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે.

જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે, રાજ્યના અન્ય 206 જળાશયોમાં 440773 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 79 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 2.35 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
વણાકબોરી જળાશયમાં 1.66 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.66 લાખની જાવક, ઉકાઈમાં 1.47 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.47 લાખની જાવક, કડાણા જળાશયમાં 71 હજાર ક્યુસેક પાણીની આવક સામે 96 હજાર ક્યુસેક પાણીની જાવક તેમજ પાનમ જળાશયમાં 23 હજાર ક્યુસેક પાણીની આવક સામે 22 હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141માં 85 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 78 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 52 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે કે, આમ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 81 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.












Click it and Unblock the Notifications
