કેન્દ્રને મોદીની લલકાર : CBIનો ડર મને બતાવવાની હિંમત ના કરશો
ગાંધીનગર, 24 જૂન : આજે ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત કેન્દ્ર સરકારને લલકારી હતી. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર સીબીઆઇનો દુરુપયોગ કરી મને જેલમાં પૂરવા એડીચોટીનું જોર લગાવે છે. મારે એટલું જ કહેવું છે કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર સીબીઆઇનો ડર મને બતાવવાની હિંમત ના કરે.
પોતાની વાત કેન્દ્ર સુધી પહોંચાડવા માટે નરેન્દ્ર મોદીએ હિન્દી ભાષામાં બોલીને જણાવ્યું કે "મિત્રો છાપામાં તમે જોશો તો સીબીઆઇના સમાચારો વધારે હશે. દિલ્હી સરકાર પોતાના કાળા કામ છૂપાવવા સીબીઆઇનો ઉપયોગ કરે છે. હું આજે આ યુવાનોની મદદથી દિલ્હીની કોંગ્રેસની સરકારને પડકાર ફેંકું છું. અમને સીબીઆઇનો ડર ના બતાવશો. ગુજરાતના મંત્રીઓને સીબીઆઇ ફસાવશે તેવા સમાચાર મેં વાંચ્યા. દિલ્હીની સરકાર સાંભળી લે તમે હવે દિલ્હીની ગાદી પર રાજ નહીં કરી શકો. સીબીઆઇનું રાજનીતિકરણ, સીબીઆઇનો દુરુપયોગ કરવા બદલ તમારી હિન્દુસ્તાનની જનતાને જવાબ આપવો પડશે."

તેમણે વધુમાં કહ્યું કે "પોતના રાજકીય આકાઓને ખુશ કરવા માટે સીબીઆઇના જે લોકો કામ કરી રહ્યા છે, ગુજરાતના મંત્રીઓને જેલમાં પૂરવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમને કહેવા માંગુ છું કે તમે લોકશાહીમાં યોગ્ય કાર્યવાહી કરી રહ્યા નથી. ગુજરાતને બદનામ કરવાના કાર્યો બંધ કરો. લોકોને સીબીઆઇ પર વિશ્વાસ રહ્યો નથી. દિલ્હીના નેતાઓ મોદીને જેલમાં નાખવા માટે સીબીઆઇની મદદથી પહેલા ગુજરાતના મંત્રીઓને જેલમાં નાખવાના કારસા ઘડી રહ્યા છે. આમ કરવાને બદલે ઉત્તરાખંડના પિડિતોની સેવામાં સમય ફાળવો."
મોદીએ ગુજરાતના યુવાનો સમક્ષ જણાવ્યું કે "અમે પડકાર ફેંકી રહ્યા છીએ કે તમે સીબીઆઇમાં સમય લગાવો અમે ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં સમય લગાવીશું. પછી જોઇએ શું પરિણામ આવે છે. ગુજરાતની જનતાએ ચૂંટણીઓમાં આ સરકારને સમર્થન આપ્યું છે. હું સીબીઆઇથી ડરવાનો નથી. દિલ્હીના આકા સમજી લે અને આ જ ભાષામાં જવાબ સાંભળવા તૈયાર રહે. આપમાં જેટલો દમ હોય. ગમે તેટલા ષડયંત્રો રચો, પણ અમે ગુજરાતની વિકાસ યાત્રા ચાલુ રાખીશું. સીબીઆઇના ડરથી અમે ગુજરાતના જવાનોનું જીવન અને કારકિર્દી બરબાદ થવા નહીં દઇએ. યુવા મિત્રો ખભેથી ખભો મિલાવીને વિકાસની યાત્રામાં આગળ વધીએ. ગામડાં અને ગરીબોના વિકાસની દિશામાં કામ કરીએ."
તેમણે કહ્યું કે "આ કાર્યક્રમમાં જેમને રોજગાર મળ્યા છે તેમને અભિનંદન આપું છું. આઇટીઆઇમાં 10,000 બેઠકો વધારીશું. આઇટીઆઇમાં પણ ઓનલાઇન એડમિશન પ્રક્રિયા યોજાશે. અત્યાર સુધીમાં આ માટે 94,000 હરજીઓ આવી ગઇ છે. મારી સાથે સૌ બોલે ભારત માતાની જય. આગળ મારે મોટી લડાઇ લડવાની છે. તે માટે મારે તેમારા સાથની જરૂર છે. મને સાથ આપો. હું વિકાસને ઘણો આગળ લઇ જઇશ. વંદે માતરમ."












Click it and Unblock the Notifications
