
ગુજરાતમાં ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારની નવી માર્ગદર્શિકા જાહેર કરી
રાજકીય પ્રચાર-પ્રસાર માટે નવરાત્રિના તહેવારના ઓથા હેઠળ મોટાપાયે રાજકીય ફંડ, કાળું નાણું ઠાલવીને રાજકીય પ્રભાવ સર્જવા માગતા પક્ષો માટે ભારતના મુખ્ય ચૂંટણીપંચે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવરાત્રીએ ધાર્મિક તહેવાર હોવાથી તેમાં કોઈ જ પ્રકારનો રાજકીય કે વ્યક્તિગત પ્રચાર, પ્રદર્શન થઈ શકશે નહીં. એટલું જ નહિ, જાહેરસ્થળો, પાર્ટી-પ્લોટ, ક્લબ અને શેરીઓમાં થતા ગરબાનાં આયોજનોમાં ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ પણ રાજકીય શબ્દરચના આધારિત ગીતો, ગરબાનો ઉપયોગ થઈ શકશે નહીં. ચૂંટણીપંચે આ સંદર્ભે કેટલાક કડક નિયંત્રણો સાથેના પ્રતિબંધ જાહેર કર્યા છે.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "ગરબા આયોજનોને ચોક્કસ શરતોને આધિન પરમિટ આપવામાં આવશે. મંત્રી, રાજકીય નેતા, પદાધિકારીએ ગરબાનાં સ્થળે સ્ટેજ - શો કર્યા તો આચારસંહિતા ભંગ થશે. આવા સ્થળે માતાજીના ગરબા સિવાય આયોજકો રાજકીય ગરબા, ગીતો વગાડી શકશે નહીં. જો કોઈ પક્ષ કે વ્યક્તિએ વ્યક્તિગત પ્રચારમાટેનાં હોર્ડિગ્સ, પોસ્ટર લગાવ્યા તો ગરબાની તમામ પરમિટો રદ કરી દેવાશે."
તેમણે વધુમાં જણાવ્યું કે " વ્યક્તિગત આક્ષેપો કરતા નેતાઓએ જાહેરસભામાં વાણીવિલાસ પર કાબૂ રાખવો પડશે નહિતર આવા નેતાઓ સામે ચૂંટણીપંચ ફોજદારી ગુનો નોંધતાં પણ ખચકાશે નહીં. નિમ્નસ્તરનાં રાજકારણને અટકાવીને સ્વચ્છ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ભારતના મુખ્ય ચૂંટણીપંચે તમામ નેતાઓના રાજકીય સભા, સરઘસો પાછળ એકથી વધુ વીડિયો કેમેરાઓ સાથેની વોચ ગોઠવી દીધી છે. પંચની આ બાજનજરને કારણે હવે પ્રત્યેક ફાયરબ્રાન્ડ નેતાઓને પણ તોળી તોળીને જાહેર પ્રવચનો કરવા પડશે."
ગુના માટે જેલવાસ થઇ શકે
અનિતા કરવાલે જણાવ્યું કે, "કોઈ પણ મતદારનો મત પોતાની તરફેણમાં કરવા અઘટિત રસ્તાઓ જેવા કે હાનિ, નુકસાન કે ઈજા પહોંચાડવા જેવા વાતાવરણનો ઉપયોગ થઈ શકશે નહીં. આ અંગે ગુનો સાબિત થયેથી જેલવાસથી લઈને દંડ સહિતની શિક્ષાઓ થશે. ચૂંટણી સંબંધી કે તેના પરિણામને અસર કરે તેવું કોઈ ઉમેદવાર અથવા તો વ્યક્તિગત ચારિત્ર્યનું હનન કરતું ખોટું નિવેદન કરવું તે પણ ગુનાહિત ગણાશે. પક્ષો અને ઉમેદવારો દ્વારા વ્યક્તિગત જીવન, નેતાઓની જાહેર પ્રવૃતિઓ સાથે સંબંધિત ન હોય તેવી બાબતોની ટીકા કરવી, અન્ય પક્ષોના કાર્યકરોને અટકાવવા જેવી પ્રવૃતિઓમાં ફોજદારી કાયદાની કલમ ૫૦૫-બી અને ૧૭૧-જી હેઠળ પગલાં લેવાશે. પરસ્પર વેરભાવથી વિવિધ સમાજ અને જાતિ, ધાર્મિક અથવા ભાષા બોલતા લોકો વચ્ચે નિરંકુશપણે તંગદિલી ઊભી કરી પ્રવર્તમાન પરિસ્થિતિમાં તંગ વાતાવરણનું નિમાર્ણ કરશે તો તેની સામે આઈપીસીની કલમ ૧૫૩ અને પ૦૫(૨) હેઠળ કાર્યવાહી થશે.
ચૂંટણીમાં ગેરરીતિ, બ્લેકમની અંગે આ ટોલ- ફ્રી નંબરો પર ફરિયાદ કરી શકાશે
વિધાનસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી રીતે થાય એ માટે ચૂંટણી પંચે ગેરરીતિ, કાળા નાણાંની હેરફેરની માહિતી આપવા ટોલ - ફ્રી ટેલિફોન સેવાઓ શરૃ કરી છે. જેના ઉપર ફોન કરીને વિગતો આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. ઈન્કમટેક્સ સહિત કેન્દ્રિય ઓફિસર્સની આગેવાનીમાં રચાયેલી ટીમો અત્યારથી ગુજરાતમાં બિનહિસાબી નાણાની હેરફેર માટે તૈનાત કરી દેવાઈ છે.
ટોલ ફ્રી નંબર્સ
ઈન્કમટેક્સના નોડલ ઓફિસર તરીકે વિનોદ તનવાની, એડિશનલ ડાયરેક્ટર ઈન્વેસ્ટીગેશનને નિમ્યા છે. આઈટી સેટ અપ કરેલા સ્ટેટ કંટ્રોલ રૃમ નં. ૧૮૦૦- ૨૩૩- ૧૦૨૭ અને લેન્ડલાઈન નંબર ૦૭૯- ૨૭૫૪૬૬૪૩ અને ૦૭૯- ૨૭૫૪૬૬૪૬ અને ફેક્સ નંબર ૦૭૯- ૨૭૫૪૬૬૪૩ ઉપર સંપર્ક સાધી શકાશે.