વિદેશ મંત્રી એસ જયશંકરે નર્મદા જિલ્લાના ચિલ્ડ્રન હોમમાં સ્માર્ટ ક્લાસ અને સાયન્સ લેબનું ઉદ્ધાટન કર્યું
External Affairs Minister S Jaishankar : નર્મદા જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ચિલ્ડ્રન હોમની મુલાકાત લઇ ત્યાં આશ્રિત બાળકોને આપવામાં આવતી સુવિધાઓનું બારિકાઈથી નિરિક્ષણ કર્યું હતું. આ મુલાકાત પૂર્વે તેમણે ગરૂડેશ્વર ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.
ગરૂડેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાંસદની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલી લેબોરેટરી તેમજ ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરી જાત નિરીક્ષણ કર્યું હતું. સાથે આ હોસ્પિટલમાંથી સારવાર લઈ સ્વસ્થ જીવન જીવી રહેલા નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આકાંક્ષી નર્મદા જિલ્લાના વિકાસ પ્રત્યે રસ રૂચી દાખવી રહ્યા છે. રાજ્ય સભાના સાંસદ તરીકે તેમને મળતા ફંડમાંથી માતબર રકમનું અનુદાન નર્મદા જિલ્લાના લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય તે માટે ફાળવ્યું છે.
ઉક્ત અનુદાનમાંથી ચિલ્ડ્રન હોમ ખાતે આશ્રિત બાળકોના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે પણ ડૉ. જયશંકરે ગ્રાન્ટ ફાળવી છે. તેમાંથી તૈયાર થયેલી 15 કોમ્પ્યુટર વાળી લેબનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જેમના માતા કે પિતા ન હોય તેવા અથવા સંપૂર્ણ નિરાધાર 71 બાળકો આ ચિલ્ડ્રન હોમમાં આશ્રય લઈ રહ્યા છે. જેનું સંપૂર્ણ લાલન પાલન સરકાર દ્વારા કરવામાં આવે છે. આ બાળકો ઈત્તર પ્રવૃત્તિમાં પણ પ્રવિણ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નર્મદા જિલ્લા વહીવટી તંત્રના આ પ્રયાસમાં વિદેશ મંત્રી ડૉ. જયશંકર મહત્વ પૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમની ગ્રાન્ટમાંથી 36 જેટલા વાધ્યો ખરીદી સંગીત ક્લાસ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ રમતોના 30 સાધનોનું અનુદાન પણ વિદેશ મંત્રીએ આપ્યું છે.
ચિલ્ડ્રન્સ હોમના બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ જાગૃત થાય તે માટે 28 મોડેલ સાથેની સાયન્સ લેબનું પણ તેમણે ઉદ્ધાટન કર્યું હતું. આ વેળાએ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી રવિકુમાર અરોરા, નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
