ગુજરાતમાં ફરી બોમ્બની ધમકી, પાસપોર્ટ ઓફિસ ઉડાવવાની ધમકી મળતા દોડધામ
રાજ્યમાં આજે પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે જ આ પ્રકારના ઈમેઈલ્સ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
સુરતના પીપલોદમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ધમકીભર્યો ઈમેઈલ મળતા જ ઉમરા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર બિલ્ડિંગમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જોકે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં પણ આવી જ ધમકીઓને પગલે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સાયબર ક્રાઈમની ટીમો અત્યારે ઈમેઈલના લોકેશન અને મોકલનાર શખ્સની ઓળખ કરવા માટે ટેકનિકલ તપાસ ચલાવી રહી છે.
માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગોધરા સહિતના શહેરોમાં પણ વહીવટી તંત્રને સમાન પ્રકારના સંદેશા મળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે રાજ્યભરની મુખ્ય સરકારી કચેરીઓ અને પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
ગાંધીનગર એસપી વાસમસેટ્ટી રવિતેજાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ સમગ્ર ઘટના એક આંતરિક ગેરસમજ અને ઈમેઈલ ફોરવર્ડિંગની ભૂલને કારણે બની છે. હકીકતમાં ધમકીનો ઈમેઈલ માત્ર સુરત આરપીઓ ઓફિસ માટે જ મોકલવામાં આવ્યો હતો.
અમદાવાદ સ્થિત પોસ્ટ ઓફિસના હેડ ઓફિસના એક કર્મચારીએ ભૂલથી આ મેઈલ રાજ્યની તમામ શાખાઓમાં ફોરવર્ડ કરી દીધો હતો. આ ટેકનિકલ ક્ષતિને કારણે રાજ્યભરની પોસ્ટ ઓફિસોમાં ડરનો માહોલ સર્જાયો હતો, જે બાદ હવે સ્થિતિ નિયંત્રણમાં છે.
પોલીસે જે કર્મચારી દ્વારા આ ભૂલ થઈ છે તેની પૂછપરછ હાથ ધરી છે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન દાખવવા તાકીદ કરી છે. સુરત પોલીસ હવે આ મૂળ ઈમેઈલ મોકલનાર અજ્ઞાત શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
સત્તાવાળાઓએ જનતાને અપીલ કરી છે કે આ માત્ર એક અફવા હતી, તેથી કોઈએ ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તમામ સરકારી કચેરીઓમાં કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવાઈ છે.












Click it and Unblock the Notifications
