CMના ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખનો વિદાય સમારોહ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખાસ ફરજ પરના અધિકારી તરીકે હાલમાં ફરજ બજાવતા સનદી અધિકારી અને ઇન્ચાર્જ માહિતી નિયામક ધીરજ પારેખ આજે તારીખ 31 જાન્યુઆરી, 2024ના રોજ સરકારી સેવામાંથી વય નિવૃત્ત થયા છે.
મુળ કચ્છના પારેખ જૈન પરિવારમાંથી આવે છે, તેઓ ગુજરાત વહિવટી સેવા(GAS)ના અધિકારી તરીકે સેવામાં જોડાયા હતા અને આજે અખિલ ભારતીય સેવા(IAS)માંથી વય નિવૃત્ત થયા છે.
તેઓની બે દાયકાથી પણ વધુ સમયની સેવાના સમય ગાળા દરમિયાન ચિફ ઓફિસર, નાયબ કલેકટર, મંત્રીના અંગત સચિવ, વિવિધ બોર્ડ નિગમના મેનેજિંગ ડાયરેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર જેવા અનેક મહત્વના પદો પર સેવાઓ આપી ચુક્યા છે.

હંમેશા કામના નિકાલ નહીં, પરંતુ ઉકેલની વૃત્તિમાં માનનાર પારેખ પ્રમાણિકતા, સમય પ્રતિબદ્ધતા, અરજદારના પ્રશ્નોને કુનેહ પૂર્વક નિકાલ કરવાની કળા, તાબાના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કામ લેવાની આગવી શૈલી જેવા વિવિધ ગુણોના કારણોસર કર્મચારીગણ તેમજ સેવા આપેલા જિલ્લાની પ્રજાના દિલમાં વિશિષ્ટ માન-સન્માન ધરાવે છે.
તેઓની સરકારી સેવા દરમિયાન કોવિડ-19 મહામારી સમયગાળામાં ઓક્સિજન પ્લાન્ટની સવલત સહિત કરેલી વિવિધ કામગીરી તેમજ નાયબ કલેકટર તરીકેની સેવામાં વિવિધ લાયઝન/પરવાનામાં દાખવેલ આદર્શ પદ્ધતિ, વહીવટમાં પારદર્શિતા, જાહેર સ્થળોએ ઉપાડેલ સફાઈ ઝૂંબેશ, ગરીબ લાભાર્થીઓને એક જ વર્ષમાં 700થી પણ વધારે આપેલા મફતગાળાના પ્લોટ, જાહેર માર્ગોમાં ગુણવત્તા માટે અપનાવેલ અભિયાન, શહેરી વિસ્તારના વિવિધ આવાસના કામોની ફાળવણી જેવા માળખાકીય વિકાસના કામો સહિત અનેકવિધ વિશિષ્ટ અને પ્રજાલક્ષી કામોને કારણે વિવિધ જિલ્લાના નાગરિકો આજે પણ તેઓને અને તેમના કામોને યાદ કરે છે.
ધીરજ પારેખનું નિવૃત્ત જીવન સદાય પ્રવૃત્તમય રહે અને આગળ પણ સરકારને તેઓના બહોળા અનુભવનો લાભ મળતો રહે તેવી શુભેચ્છાઓ તેઓશ્રીને પાઠવવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
