30 જાન્યુઆરીએ થશે ખેડૂત સત્યાગ્રહ, જમીન માપણી રદ્દ કરવા યોજાશે સંમેલન
Agricultur News: 30 જાન્યુઆરીના રોજ ખંભાળિયા ખાતે ખેડૂત સત્યાગ્રહ નામે ખેડૂત સંમેલન યોજાશે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ ખેડૂતોને ઉમટી પડવા માટે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ હાંકલ કરી છે.
આ ખેડૂત સંમેલનમાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવાની માંગ સાથે ખેડૂત સત્યાગ્રહ કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17 નો પાકવિમો 70 થી 80 ટકા મળવાપાત્ર હતો, તે આપ્યો નથી તેની પણ માંગ આ સંમેલનમાં કરવામાં આવશે.
વાછરાવાવ દલવાડી હોટેલ પાસે ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ સવારે 9.30 કલાકે ખેડૂતોને ઉપસ્થિત રહેવા હાકલ કરવામાં આવી છે. આ સંમેલનમાં ખેડૂત આગેવાનો, રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
ઉદ્ઘાટનના લોલીપોપથી હવે ખેડૂતો થાકી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના અનેક પ્રશ્ને 30 જાન્યુઆરીએ ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે.
જમીન માપણીના પ્રશ્ને આખા ગુજરાતના ખેડૂતો, આગેવાનોને પાલભાઈ આંબલિયાએ જાહેર આમંત્રણ આપ્યું છે.

આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 272 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે ચાલુ વર્ષનુ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરવામાં આવશે.
પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, 11 - 11 વર્ષથી સરકાર જમીન માપણી ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે, તેમ છતા પણ પરિણામ શૂન્ય છે. 11 વર્ષમાં સરકાર 1 ગામનો નકશો પણ સુધારી શકી નથી.
ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે, 11 વર્ષમાં સરકાર 1 ગામનો નકશો સુધારી શકી નથી ત્યારે આ માપણી સંપૂર્ણપણે રદ્દ જ કરવી જોઈએ. 7 વર્ષથી તૂટેલા સાની ડેમના દરવાજા અને ચરકલા ડેમ સરકાર રીપેર કરી શકી નથી.
છેલ્લા 15 વર્ષથી વંગળી અને રેટા કાલાવડ ડેમ બનાવવા માટે દર ચૂંટણીએ માત્ર ઉદ્ઘાટન થાય છે. ઉદ્ઘાટન પછી સરકાર ભૂલી જાય છે, ડેમ બનાવવાનું ટેન્ડર પણ થતું નથી.
આ ખેડૂત સંમેલનમાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, ઇશુદાન ગઢવી, હેમંત ખવા, વિક્રમ માડમ, પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ સાથે ડાયાભાઈ ગજેરા, રતનસિંહ ડોડીયા, પ્રવીણ પટોડીયા, ભરતસિંહ ઝાલા, ભરતસિંહ વાળા વગેરે ખેડૂત આગેવાનો પણ આ ખેડૂત સત્યાગ્રહમાં ઉપસ્થિત રહેશે.












Click it and Unblock the Notifications
