Gujarat Assembly Election 2022: ગુજરાતની ચૂંટણીમાં મહિલાથી લઇને SC-ST સુધી તમામનું ભાજપે રાખ્યું ધ્યાન
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ લીસ્ટમાં કુલ 160 ઉમેદવારો શામેલ છે.
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ લીસ્ટમાં કુલ 160 ઉમેદવારો શામેલ છે. ભારતીય જનતાએ આ યાદીમાં એ પણ જાહેર કર્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે.
આ સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલને પણ ટીકિટ આપવામાં આવી છે. હાર્દિક પટેલને વિરમગામની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આ સાથે ભાજપે મહિલાઓથી લઇને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના દરેક પાસાને ધ્યાનમાં રાખીને આ યાદી તૈયાર કરી હોય તેમ જણાઇ રહ્યું છે.

ગુજરાતમાં ઉમેદવારોની જાહેરાત પહેલા ભાજપ હેડક્વાર્ટર ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં ભાજપે ગુજરાતને લઈને તેના તમામ સમીકરણોની ગણતરી કરી અને અંતે 160 નામોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવી. જે આજે બહાર પાડવામાં આવી હતી.
મહિલાઓને આપવામાં આવી તક
ગુજરાત ચૂંટણી માટેની આ યાદીમાં ભાજપે મહિલાઓની ભાગીદારીનું પણ ધ્યાન રાખ્યું છે. જોકે મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. ભાજપે પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોમાંથી 14 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પણ જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી છે. તેમના સિવાય માલતીબહેનને ગાંધીધામથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત વઢવાણમાંથી જીજ્ઞા પંડ્યા, રાજકોટ પશ્ચિમમાંથી દર્શિતા શાહ, રાજકોટ ગ્રામ્યમાંથી ભાનુ બાબરીયા અને ગોંડલમાંથી ગીતાબા જાડેજાને ટીકિટ આપવામાં આવી છે.
SC-ST ને કેટલી ટીકિટ મળી?
ગુજરાતમાં લગભગ 15 ટકા વસ્તી અનુસૂચિત જનજાતિ છે. ગુજરાતની 30 થી 40 જેટલી બેઠકો પર અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિનો પ્રભાવ રહે છે. દરેક પક્ષ હંમેશા આ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આદિવાસી સમાજ માટે 26 જેટલી બેઠકો અનામત છે.
ભાજપની પ્રથમ યાદીમાં અનુસૂચિત જાતિના 13 અને અનુસૂચિત જનજાતિના 24 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે ભાજપ આ વખતે કોઈપણ પ્રકારની ભૂલ કરવા માંગતી નથી. ઉલ્લેખનીય છે કે, ગત વખતે ભાજપ એસટી માટે અનામત બેઠકોમાંથી અડધી પણ સીટો જીતી શકી ન હતી.
38 વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાયા
ભાજપે ફરી એકવાર ઘણા વર્તમાન ધારાસભ્યોને ટીકિટ આપી નથી. ગુજરાતના 38 વર્તમાન ધારાસભ્યોની ટીકિટ કાપવામાં આવી છે અને નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. જેમાં હાર્દિક પટેલ જેવા પક્ષપલટું નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં 69 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ રિપીટ કરવામાં આવી છે. હાલ 160 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે, બીજી યાદીમાં વધુ કેટલાક ધારાસભ્યોની ટીકિટ કપાઈ શકે છે.
પૂર્વ મુખ્યમંત્રી ચૂંટણીની રેસમાંથી બહાર
આ વચ્ચે સૌથી આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લી ચૂંટણીમાં જીત બાદ ભાજપે મુખ્યમંત્રી બનાવ્યા અને લાંબા સમય સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કામ કરનારાઓ ચૂંટણીમાંથી બહાર છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે, તેઓ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ચૂંટણી પહેલા ભાજપ દ્વારા રૂપાણીને હટાવીને તેમની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
વિજય રૂપાણી ઉપરાંત નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફાળદુ, પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલે પોતે પત્ર લખીને ભાજપ પ્રમુખને ચૂંટણી ન લડવા અને પક્ષ માટે કામ કરતા રહેવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. જે બાદ 8 ડિસેમ્બરના રોજ હિમાચલ અને ગુજરાતના પરિણામો જાહેર થશે.












Click it and Unblock the Notifications
