
આવનારા સમયમાં ગાંધીનગર-દહેગામ ટ્વીન સિટી હશે : નરેન્દ્ર મોદી
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેગામ ખાતે જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે ભાજપના ઉમેદવારોને મત આપવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
નરેન્દ્ર મોદીએ દહેગામની જનતાને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, દેહગામની જનતાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વટ પાડી દીધો. આ દેશ અમૃત કાળમાં પ્રવેશ્યો છે ત્યારે આગામી 25 વર્ષ દેશમાટે અમૃત કાળ સમાન છે અને અમૃત કાળની અંદર આ પહેલી ચૂંટણી છે આ ચૂંટણી પાંચ વર્ષ માટે નથી, આ ચૂંટણી 25 વર્ષ પછી ગુજરાત કેવું હશે તેનો નિર્ણય કરશે.
વધુમાં જણાવ્યું કે, પહેલાનો એક સમય હતો કે ચૂંટણીમાં ભ્રષ્ટાચારની વાતો થાય, જાતિવાદની વાતો થાય, પરિવારવાદની વાતો થાય , રસ્તા-વિજળી-પાણી-આરોગ્યના મુદ્દાની વાતો થાય પરંતુ ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં જે સર્વાંગી વિકાસ કર્યો છે તેના કારણે ગુજરાત આવા સંકટોમાંથી બહાર નિકળી ગયું છે. 20 થી 25 વર્ષ પહેલા ગુજરાતમાં મૂળભૂત સુવિધાના વિકાસ માટે કામ કર્યુ આજે દેશમાં એક અગ્રણી રાજય તરીકે નામના મેળવી છે. આજે ગુજરાતમાં 24 કલાક વિજળી મળી રહી છે. એક સમય હતો કે પહેલા પાણી પુરુ પાડવા ટેન્કર મંગાવવું પડતું, હેન્ડપંપથી પાણી કાઢવું પડે અને ટેન્કરમાં પાણી માટે પણ કટકી થતી આવી સમસ્યાથી ગુજરાતને બહાર કાઢી ઘરે-ઘરે નળથી જળ પહોંચાડ્યું છે. આજે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ, સુજ્જલામ સુફલામ, ચેકડેમ, ખેતતલાવડી,અમૃત સરોવરનું કામ કરવામાં આવ્યું છે. ગામડે-ગામડે રસ્તાઓ સારા બન્યા છે, ઓપ્ટિકલ ફાયબર પહોચાડ્યા છે. વર્ષ 2014માં અર્થવ્યવસ્થામાં 10માં નંબરે હતા પણ 8 વર્ષ પછી આજે ભારતની અર્થવ્યવસ્થા પાંચમાં નંબરે છે.
ગાંધીનગર જિલ્લામાં હવે ગામડું અને શહેરને જુદા કરવું અલગ છે. હવે એ દિવસ દુર નહી હોય કે ગાંધીનગર અને દેહગામ ટ્વીન સીટી હશે, ગાંધીનગર અને કલોલ ટ્વીન સિટી હશે અને દહેગામ,કલોલ અને ગાંધીનગર આખા ગુજરાતની આર્થિક ગતી વિધીને મજબૂત કરનારું મોટું કેન્દ્ર બનશે.
ગાંધીનગર ગીફટ સિટીના મહત્વ અંગે જણાવ્યું કે, ગીફટ સીટી દુનિયાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. ગીફટ સિટી માં અંદાજે 2 લાખ લોકો કામ કરતા હશે તે બધા રહેવા કલોલ આવે કે દેહગામ આવશે.