
ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક ફેડરેશનના ચેરમેન બન્યા રામસિંહ પરમાર
જીસીએમએમએફ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જીસીએમએમએફના ચેરમેન તરીકે રામસિંહ પરમારની વરણી કરવામાં આવી હતી અને વાઇસ ચેરમેનના સ્થાને જેઠાભાઈ ભરવાડને યથાવત રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રવિવારે ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામા ડેરી સંઘોના પ્રતિનિધીઓની એક બેઠક મળી હતી. સહકારી ક્ષેત્રમાં સમરસતા જળવાઇ રહે તે માટે ભાજપના નેતાઓની હાજરીમાં આ બેઠક મળી હતી.
નોંધનીય છે કે, જીસીએમએમએફ અમુલ બ્રાન્ડ સાથે જોડાયેલું છે. સાથે 38 હજાર કરોડનું જંગી ટર્નઓવર પણ ધરાવે છે અને તેની સાથે 30 લાખ પશુપાલકો જોડાયેલા છે. તેમજ 18,549 ગામોમાંથી દૂધ સહકારી મંડળીઓ દ્વારા રોજનું 180 લાખ લિટર દૂધ આવે છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા છે. જીસીએમએમએફ હેઠળ કુલ 18 સભ્યોનું યુનિયન આવેલું છે. 36 લાખ દૂધ ઉત્પાદકોને સાંકળી લેતા 18 સભ્યોનું યુનિયન 33 જિલ્લાઓ આવરી લે છે. જીસીએમએમએફ અમૂલ નામથી વધુ પ્રચલિત છે. 10 હજાર ડીલરો અને 10 લાખ રીટેલર્સ સાથેનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે.