ગાંધીનગર જિલ્લા પંચાયત અને દહેગામ તાલુકા પંચાયતના નવા ભવનોનું ભૂમિપૂજન કરાયુ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લા પંચાયત અને દહેગામ તાલુકા પંચાયતના નવા ભવનોનું ભૂમિપૂજન કરીને નિર્માણ માટેની કામગીરી શરૂ કરાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા નિર્માણ થનારા અદ્યતન ભવન તથા દહેગામ તાલુકા પંચાયત ભવનના ભૂમિપૂજન સામારોહ દરમિયાન લોકોને પણ સંબોદ્યા.
પાટનગર ગાંધીનગર જિલ્લાનું આ નવું પંચાયત ભવન 7695 ચોરસમીટરની વિશાળ જગ્યામાં નિર્માણ થવાનું છે. દહેગામ તાલુકા પંચાયતનું ભવન પણ 3900 ચો.મીટરમાં અંદાજે 3 કરોડ 10 લાખના ખર્ચે બનશે.

અહીં મુખ્યમંત્રીએ કહ્યું કે, નવા નિર્માણ થનારા આવા ભવનોમાં સોલાર પેનલ સુવિઘાઓથી વીજ બચત, વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇનવોટર હાર્વેસ્ટીંગ, દિવ્યાંગો માટે રેમ્પ સહિતની સમયાનુકુલ સુવિઘાઓ આપવામાં આવી રહી છે. આવા ભવનો લોકહિત અને જનસેવાના પ્રવૃત્તિ કેન્દ્રો બને તેવી આપણી નેમ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશ્યો છે. આ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ છે. ગુજરાત વિકાસના રોલ મોડેલ તરીકે અગ્રેસર છે, ત્યારે અમૃતકાળમાં લોકોની સુખાકારી- સુવિધાઓમા પણ ઉત્તરોત્તર વૃધ્ધિ કરીને વિકસીત ભારત માટે વિકસીત ગુજરાત બનાવવા સૌ સાથે મળીને આગળ વધીએ.
પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડે કહ્યું કે, રાષ્ટ્રનાં વિકાસનો ખરો આધાર ગ્રામ્ય વિકાસ પર રહેલો છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મકાનોનું સુવિધાયુકત આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. આ બંને ભવનો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જ્યાં નાગરિકોને સરકારી સેવાઓ ડિજિટલી પૂરી પડાશે.
તેમણે ઉમેર્યું કે, ગાંધીનગર જિલ્લાના ૪૯ ગ્રામ પંચાયતના મકાનો અદ્યતન કરવાની મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી 37 મકાનો તૈયાર થઈ ગયા છે અને 12 મકાનોનું કાર્ય પ્રગતિ હેઠળ છે. પંચાયતના કર્મચારીઓ પોતાના વતનમાં રહીને જનસેવા કરી શકે તે માટે તેઓની જિલ્લા ફેર બદલી પણ કરવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલે જણાવ્યુ કે, ગાંધીનગર જિલ્લાના નાગરિકોનાં સુખાકારી કામોને ઝડપથી કરવા માટે પંચાયતના મહેકમમાં વધારો થયો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના ભવનને 42 વર્ષ થઈ ગયા છે.
ગાંધીનગરના જિલ્લાના વિકાસ કામોની ગતિને તેજ બનાવવા રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લા પંચાયતને 7695 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. દહેગામ તાલુકા પંચાયત કચેરીનું નવું અદ્યતન ભવન રૂપિયા ૩ કરોડના ખર્ચે તૈયાર થશે.












Click it and Unblock the Notifications
