
ગુજરાતની 66 કંપનીઓ પર GST વિભાગના દરોડા, સુરતના 6 ગૃપ પર દરોડા
રાજ્યના સ્ટેટ GST વિભાગે કરચોરો સામે કરડાકી ભરી નજર નાખતા વ્યાપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરતના ફર્નિચર વેપારીઓ પર દરોડા GSTના દરોડા પડતા કરચોરોમાં મોટા પાયે ફફડાટ વ્યાપ્યો છે. GST વિભાગે 6 ફર્નિચર ગ્રૂપ પર દરોડાની કામગીરી આરંભી છે. અને ઓફીસ, ગોડાઉન, ફેકટરી સહિત 33 સ્થળોએ વીજળીક તપાસ આરંભી દીધી છે. સુરત શહેરના નામચીન ફર્નીચર શો-રૂમ્સ જેમાં આદિનાથ ફર્નિચર, અલ્ટ્રાવિસ્ટા ટ્રેડર્સ, દક્ષેશ ફર્નિચર, લાઈફ સ્ટાઇલ ફર્નિચર, ઉપરાંત ફર્નિચર કોન્સેપ્ટ, RMR ફર્નિચરની પેઢીઓનો સમાવેશ થાય છે. વિભાગે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર સહિતના ડીવાઈસ જપ્ત કરી બધું ખંગાળવાની પ્રક્રિયા હાથ ધરી છે.
બીજી તરફ GST વિભાગે ખોટી વેરા શાખ મેળવી નિકાસ દર્શાવી રિફંડ મેળવવાના ષડયંત્રનો પર્દાફાશકરતા,અંદાજે 20 કરોડનું ખોટું રિફંડ સ્ટેટ GSTએ ઝડપી પાડ્યું છે.જેમાં ગુજરાત અને અન્ય રાજ્યની 66 કંપનીઓ GST ચોરીમાં સામેલ છે. વિભાગે 13 મોબાઈલ, 21 સિમકાર્ડ, 2 લેપટોપ, હાર્ડડિસ્ક સહિત મુદ્દામાલ કબજે લીધા છે. આ ઉપરાંત 142 રબ્બર સ્ટેમ્પ, 30 ચેકબુક-પાસબુક, પાસબુક-પાનકાર્ડ અને 16 ઓફિસની ચાવી જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ કંપનીઓ ઓછી કિંમતના કપડાં અને જવેલરીનો દુબઈમાં નિકાસ દર્શાવતી હતી. અમદાવાદની 9 કંપનીઓ આ ટેક્સ ચોરીમાં સામેલ હોવાનું ખુલ્યું છે. સ્ટેટ GST વિભાગે કૌભાંડના માસ્ટર માઈન્ડને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.