ગુજરાતમાં 17 નવા તાલુકાઓની રચના કરાશે, કેબિનેટ બેઠકમાં મંજુરી મળી
ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને લોકો માટે સુલભ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 17 નવા તાલુકાઓની રચના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પગલાથી સ્થાનિક કક્ષાએ સરકારી સેવાઓ અને વિકાસ કાર્યોને વધુ વેગ મળશે.

તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નવા તાલુકાઓના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકોને સરકારી કાર્યાલયો સુધી પહોંચવા માટે લાંબુ અંતર કાપવું ન પડે અને તેમના કામ સરળતાથી થઈ શકે.
નાના અને નવા તાલુકા બનવાથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ પણ સરળતાથી આવશે.
મહત્વની વાત એ છે કે આ નવા તાલુકાઓનું નિર્માણ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં થઈ શકે છે. જો આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં આ નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. આનાથી સ્થાનિક વહીવટી તંત્ર વધુ સંતુલિત બનશે અને ચૂંટણી પ્રક્રિયા પણ સરળ બનશે.
નવા તાલુકાઓ બનવાથી સ્થાનિક લોકો માટે ઘણા ફાયદા થશે. લોકોને મામલતદાર કચેરી અથવા અન્ય સરકારી કચેરીના કામ માટે દૂર જવું નહીં પડે. નાના વહીવટી એકમો પર સરકારનું ધ્યાન વધુ કેન્દ્રિત થશે, જેનાથી વિકાસ કાર્યોને વેગ મળશે.
નવા તાલુકા બનવાથી નવી કચેરીઓ અને સ્ટાફની જરૂર પડશે, જેનાથી રોજગારીની તકો ઊભી થશે. આ નિર્ણય ગુજરાતના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવશે અને નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે.












Click it and Unblock the Notifications
