ગુજરાત ચૂંટણીમાં ભાજપને આમ આદમી પાર્ટીથી શું ફાયદો થશે?

Written By:
Subscribe to Oneindia News

ગત અઠવાડિયે જ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની સૂચિ જાહેર કરવામાં આવી હતી. આપ પાર્ટીના આ ઉમેદવારો કોંગ્રેસ પક્ષના સંભવિત મતદારોની સંખ્યા પર અસર કરી શકે છે. જો આમ થયું તો એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. આપ પાર્ટી દ્વારા જે 11 ઉમેદવારોની સૂચિ જાહેર કરવામાં આવી છે, એમાંથી કોઇ ઉમેદવાર વર્તમાન પરિસ્થિતિમાં જીતી શકે એમ નથી, પરંતુ તેમને કારણે કોંગ્રેસના મતને નુકસાન ચોક્કસ થઇ શકે છે. ભાજપના નેતાઓ પણ આ જ પ્રકારનું અનુમાન કરી રહ્યાં છે. જે 11 બેઠકો માટે આપ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, એમાંથી 10 બેઠકો એવી છે જેની પર પટેલ તથા ઓબીસી આરક્ષણને કારણે ભાજપ માટે બેઠક બચાવવી મુશ્કેલ છે.

આપ ઉમેદવારો

આપ ઉમેદવારો

આ 11 બેઠકોમાંથી 5 બેઠકો એવી છે, જેની પર ગત ચૂંટણીમાં ભાજપ માત્ર 5000 મતના અંતરથી જીત્યું હતું. આ બેઠકોમાં બાપુનગર, લાઠી, છોટા ઉદેપુર, પડર અને કરજણનો સમાવેશ થાય છે. ભાજપ નેતાઓ અનુસાર, પાટીદાર અને ઓબીસી આંદોલનોને કારણે આ 11 બેઠકો તેમના માટે પડકારરૂપ બની છે. એવામાં તેમને પૂરી આશા છે કે, આપ પાર્ટીના ઉમેદવારોને કારણે આ બેઠકો પર કોંગ્રેસના મતને નુકસાન થશે અને એનો ફાયદો ભાજપને મળશે.

ગુજરાત કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસ

બીજી બાજુ કોંગ્રેસ ઇચ્છે છે કે, બિહારની માફક હવે ત્યાંની જગ્યાએ ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ મહાગઠબંધનની સરકાર બને અને તમામ દળો એક મંચ પર આવે. જો કે, હાલ રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ અલગ છે. છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીની મુલાકાતો તથા અલ્પેશ ઠાકોરના આગમનથી પક્ષમાં નવા પ્રાણ ફૂંકાયા છે. એ પહેલાં શંકરસિંહ વાઘેલાએ પક્ષ સાથે છેડો ફાડતાં ગુજરાત કોંગ્રેસ લગભગ ભંગાણના આરે હતી. આમ રાજ્યમાં ભાજપ વિરુદ્ધના દળો તો છે, પંરતુ એ સૌ વહેંચાયેલા છે અને તેમની પહોંચ નિશ્ચિત વર્ગો સુધી સીમિત છે. આથી ભાજપ વિરુદ્ધ મહાગઠબંધનની સરકાર બનાવવી એટલી સરળ નથી.

ગુજરાતની ત્રિમૂર્તિ

ગુજરાતની ત્રિમૂર્તિ

અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ રાજ્યના ત્રણ યુવા અને સશક્ત નેતાઓ છે. અલ્પેશ ઠાકોર બાદ કોંગ્રેસ સતત પાટીદાર નેતા હાર્દિક પટેલ અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને પોતાના પક્ષે કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાહુલ ગાંધી અને હાર્દિક પટેલની મુલાકાતો અંગે અનેક પ્રકારની વાતો પણ મીડિયામાં વહેતી થઇ છે. વળી, હાર્દિકની પાસ સમિતિના બે નેતાઓ પહેલા જ ભાજપ સાથે હાથ મિલાવી ચૂક્યા છે. આથી હવે હાર્દિક શું કરશે એ અંગે અનેક પ્રશ્નો થઇ રહ્યાં છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

કોંગ્રેસની ઇચ્છા છે કે આ ત્રણેય નેતાઓ એક મંચ પર આવે, તો ભાજપ સામેની હરીફાઇ વધુ સરળ બને. પરંતુ હાલની પરિસ્થિતિઓને જોતાં વાત એટલી સરળ લાગતી નથી. હાર્દિક પટેલ અવાર-નવાર કોંગ્રેસ પક્ષમાં જોડાવાની વાત નકારી ચૂક્યાં છે તથા અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી એક મંચ પર આવે એ વાત હાલ અશક્ય છે. બીજી બાજુ ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ શાખનો પ્રશ્ન બની બેઠો છે. આ કારણે જ રાજ્યમાં ચૂંટણીલક્ષી જાહેરાતોની ભરમાર છે. પીએમ મોદી અને અમિત શાહ આ ચૂંટણીમાં કોઇ ચૂક કરવા માંગતા નથી.

English summary
Gujarat Assembly Elections 2017: How Aap party will be beneficial to BJP and Narendra Modi?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.