ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 : ભાજપને આદિજાતિ વોટબેંક મજબૂત કરવામાં સફળતા મળશે?
રાજ્યમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી એક વર્ષથી પણ વધુ સમયથી કોંગ્રેસની મજબૂત ગણાતી આદિજાતિ વોટબેંક તોડવાનો પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત વન બંધુ કલ્યાણ યોજના 2 હેઠળ રૂપિયા 1 લાખ કરોડ આદિજાતિના વિકાસ માટે ફાળવશે.
Gujarat Assembly Election 2022 : રાજ્યમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી એક વર્ષથી પણ વધુ સમયથી કોંગ્રેસની મજબૂત ગણાતી આદિજાતિ વોટબેંક તોડવાનો પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત વન બંધુ કલ્યાણ યોજના 2 હેઠળ રૂપિયા 1 લાખ કરોડ આદિજાતિના વિકાસ માટે ફાળવશે. જેની જાહેરાત ભારતીય જનતા પાર્ટી 9 ઓગષ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસના રોજ કરશે.

ગુજરાત વિધાનસભાની 182માંથી 27 બેઠક આદિજાતિ માટે અનામત છે. જેમાંથી વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 15, BTPને 2, ભાજપને 9 તેમજ એક અપક્ષને ફાળે રહી હતી. જે બાદ ડાંગ અને કપરાડાના કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા હતા. જે આ બેઠકોમાં થયેલી પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી. આ સાથે મેરવા હડફ બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપની જીત થઇ હતી. આ સાથે ભાજપ પાસે આદિવાસી અનામત બેઠકોમાંથી 12 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે 13 અને BTP પાસે 2 બેઠકો છે. લોકસભામાં આદિજાતિ માટે 4 બેઠકો અનામત છે, જે તમામ ભાજપ પાસે છે.
ગુજરાત સરકારે વર્ષ 2007માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિના ઉત્કર્ષ માટે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હતી. જે બાદ હવે 14 વર્ષ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની ગુજરાત સરકારે વન બંધુ કલ્યાણ યોજના - 2 શરૂ કરશે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી આદિજાતિ વોટબેંકને રિઝવીને તમામ 27 અદિવાસી અનામત બેઠકો જીતવા માટેની વ્યૂહરચના કરી રહી છે.
આદિજાતિ અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ વર્ષ 2007માં શરૂ કરેલી વન બંધુ કલ્યાણ યોજનાના સારા પરિણામો મળ્યા છે. હવે રાજ્ય સરકારે વન બંધુ કલ્યાણ યોજનાનો બીજો તબક્કો 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસથી શરૂ કરશે.

વર્ષ 2007થી રાજ્ય સરકારે વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત 96,000 કરોડનો ખર્ચ આદિવાસી વિસ્તારોના વિકાસ અને આદિજાતિના ઉત્કર્સ માટે કર્યો છે. જે બાદ વન બંધુ કલ્યાણ યોજનાના બીજા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા આદિજાતિના વિકાસ માટે એક લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ અને આદિજાતિ વિસ્તારોના ઇન્ફ્રાસ્ટ્રક્ટચરના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
આ અંગે કોંગ્રેસના આદિજાતિ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના મુખ્ય વ્હિપ અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે, ભાજપ વન બંધુ કલ્યાણ યોજના 2ની જાહેરાત વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિજાતિ વોટબેંકને પોતાની તરફ આકર્ષવા માટે કરી રહી છે. ભાજપ 96,000 કરોડ રૂપિયા આદિજાતિના વિકાસ માટે ખર્ચ્યા હોવાનો દાવો કરી રહ્યું છે, એ વાત માની લઇએ. તો કેમ મોટાભાગના આદિવાસી ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે? આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો અભાવ કેમ છે? આજે પણ આદિવાસી શિક્ષણ સુવિધાનો અભાવ કેમ છે?

આ સાથે અશ્વિન કોટવાલે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યો છે કે, ભાજપ સરકારે રોડ, સિંચાઇ અને અન્ય બાંધકામો માટે આદિજાતિની ગ્રાન્ટના નાણા વાપર્યા છે. આદિજાતિના સીધા વિકાસ કે ઉત્કર્સ માટે સરકારે બહુ ઓછો ખર્ચ કર્યો છે.












Click it and Unblock the Notifications
