ગેનીબેન ઠાકોરની કમેન્ટ પર શંકરભાઈ ચૌધરીએ શાયરીના અંદાજમાં આપ્યો જવાબ, કહ્યુ - છોટે મનસે કોઈ બડા નહિ...
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એકમાત્ર કોંગ્રેસ મહિલા ધારાસભ્ય બનાસકાંઠા જિલ્લાના વાવના એમએલએ ગેનીબેન ઠાકોરની કમેન્ટ પર ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શાયરીના અંદાજમાં જોરદાર જવાબ આપ્યો છે.
ધાનેરામાં એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ધાનેરા અને થરાદમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો. તે જ સમયે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કમેન્ટ કરતા શંકરભાઈએ હળવા અંદાજમાં તેમને જવાબ આપ્યો હતો.

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યુ કે ધાનેરામાં ઘણા વિકાસ કાર્યો થયા છે. થરાદ અને ધાનેરાના વિકાસ કાર્યો માટે 1400 કરોડ રુપિયા મંજૂર થઈ શક્યા છે. વળી, તેમણે જણાવ્યુ કે 50 કરોડથી વધુના ખર્ચે આધુનિક જિલ્લા કક્ષાની હૉસ્પિટલ થરાદમાં શરુ કરવા જઈ રહ્યા છે. જે બનાસકાંઠા જિલ્લા માટે આશીર્વાદ રુપ સાબિત થશે. ધાનેરામાં પણ સબ ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલ મંજૂર કરી દેવામાં આવી છે. થરાદની સાથે ધાનેરામાં પણ જીઆઈડીસી મંજૂર કરાવી દેવામાં આવી છે.
કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની માવજીભાઈ અને ધવલસિંહ વિશેની કમેન્ટ પર શંકરભાઈ ચૌધરીએ હળવા અંદાજમાં કહ્યુ કે ગેનીબેન વિધાનસભામાં પણ સરસ બોલે છે. તેઓ કહે છે કે તેઓ થોડા ઓછા માનીતા છે. આ તો હળવી મજાક થઈ. પરંતુ અમારે મન તો આ જગ્યાએથી બધા ધારાસભ્યો અમારા હોય.
શંકરભાઈએ વધુમાં કહ્યુ કે માવજીભાઈ આ જગ્યાના ધારાસભ્ય છે. તમે બધા અમારા ધારાસભ્ય છો. એક સ્પીકર તરીકે તમારા બધાના રક્ષણ-પોષણ તરીકેની જવાબદારી મારી હોય એટલે એ પ્રમાણે કર્યા કરુ. તેમણે શાયરીના અંદાજમાં ઉમેર્યુ કે મને લાગ્યુ કે છોટે મનસે કોઈ બડા નહિ હોતા, તૂટે દિલસે કોઈ ખડા નહિ હોતા. જેટલુ મન મોટુ એટલો માણસ મોટો થઈ શકે.












Click it and Unblock the Notifications
