
ગુજરાતમાં પેટાચૂંટણીનો પ્રચાર આજે સાંજથી બંધ, મતદાન દિવસ પર નજર
અમદાવાદ, 11 સપ્ટેમ્બર : આજે ગુજરાત વિધાનસભાની 9 બેઠકો અને વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી માટે સાંજે પાંચ વાગે પ્રચાર બંધ થશે. છેલ્લો દિવસ હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં વ્યાપક પ્રચારનું આયોજન કરીને મતદારોને પોતાની તરફેણમાં રીઝવવાનો છેલ્લો પ્રયત્ન કરી રહ્યા છે. નોંધનીય છે કે 13 સપ્ટેમ્બરે મતદાન યોજાયા બાદ 16 સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી નેતા આનંદીબહેન પટેલ પેટા ચૂંટણીઓ માટેના પ્રચારની પોતાની છેલ્લી સભા માંગરોળ ખાતે સંબોધવાના છે. ભાજપ દ્વારા વડોદરા લોકસભા વિસ્તારમાં પૂર અને અતિવૃષ્ટિથી પીડિતોને રાહત માટે કાર્યકરોનું જનઅભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે ભારે વરસાદને પગલે વડોદરામાં આનંદીબેનની જાહેરસભા રદ કરવી પડી હતી.
બીજી તરફ કોંગ્રેસે પણ માંગરોળ વિધાનસભામાં આવતાં માળિયા ખાતે શંકરસિંહ વાઘેલાની જાહેરસભાનું આયોજન કર્યું છે. કોગ્રેસે દ્વારા વ્યાપક પ્રચાર કરવા માટે રેલીનું આયોજન કર્યું છે. વડોદરા શહેરમાં પાંચ અને ગ્રામ્ય વિસ્તારમાં બે થઇને કુલ સાત રેલીઓ યોજવામાં આવી હતી. જ્યારે અમદાવાદના મણિનગરમાં ત્રણ રેલી હાટકેશ્વર- ખોખરા, ઘોડાસર- ઈસનપુર તથા લાંભામાં રાણીપુર ગામની રેલી યોજવાનું આયોજન છે.
ખંભાળિયા ખાતે કોંગ્રેસની મહિલા પાંખ, NSUI તથા યુવક કોંગ્રેસ અલગ અલગ રેલી યોજશે. આ રેલી છેલ્લે કોંગ્રેસ કાર્યાલય ખાતે સભામાં ફેરવાઈ જશે. કોંગ્રેસે આણંદ ખાતે બપોરે 2 વાગે યુવા સંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલનને ભરતસિંહ સોલંકી છેલ્લા દિવસનું માર્ગદર્શન આપશે.
કોંગ્રેસે લીમખેડા બેઠક માટે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ કાર્યકરોની બેઠકનું આયોજન કર્યું છે અને તેમાં છેલ્લા દિવસની તૈયારીઓ અને સાવચેતી અંગે માર્ગદર્શન આપશે.
આ પેટાચૂંટણીમાં કઇ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે કયા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે તેના પર એક નજર કરીએ...
લોકસભા બેઠક - ભાજપ - કોંગ્રેસ
20 - વડોદરા - રંજનબેન ભટ્ટ - નરેન્દ્રભાઇ રાવત
વિધાનસભા બેઠક - ભાજપ - કોંગ્રેસ
13 - ડીસા - લેબજીજી ઠાકોર - ગોવાભાઇ રબારી
53 - મણિનગર - સુરેશ પટેલ - જતીન કેલ્લા
66 - ટંકારા - ભવાનજી પટેલ - લલિત કગથરા
81 - ખંભાળિયા - મૂલૂ બેરા - મેરામણભાઇ આહિર
89 - માંગરોળ - લક્ષમણ જાદવ - બાબુભાઇ વાજા
100 - તળાજા - શિવાભાઇ ગોહિલ - પ્રવીણભાઇ વાળા
112 - આણંદ - રોહિતભાઇ પટેલ - કાંતિભાઇ સોઢાપરમાર
115 - માતર - કેસરીસિંહ સોલંકી - કાળીદાસ પરમાર
131 - લીમખેડા(ST) - વીંછીયા જોખાભાઇ - ભૂરિયા છત્રસિંહ મેડા