Gujarat Bypolls 2020: કોંગ્રેસના ઉમેદવારે ભાજપ પર મતદારોને રોકડ વહેંચવાનો લગાવ્યો આરોપ
કોંગ્રેસના ઉમેદવારે ભાજપ દ્વારા મતદારોને રોકડ વહેંચવાનો આરોપ લગાવ્યો છે.
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની આઠ સીટો માટે આજે 3 નવેમ્બરે મતદાન થઈ રહ્યુ છે. સવારે સાત વાગે મતદાન શરૂ થયા બાદ 9 વાગ્યા સુધીમાં 8 ટકા મતદાન થયુ છે. 8 વિધાનસભા માટે 18.75 લાખ મતદારો 80 ઉમેદવારોનુ ભવિષ્ય નક્કી કરશે. રાજ્યમાં કરજણ, અબડાસા, ધારી, લિંબડી સહિત આઠ વિધાનસભા સીટો માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે. વળી, કોરોના મહામારીના કાળમાં ગાઈડલાઈન્સ પ્રમાણે શાંતિપૂર્ણ મતદાન માટે પોલિસને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યાં બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે ભાજપ દ્વારા મતદારોને રોકડ વહેંચવાનો આરોપ લગાવ્યો છે.

ગુજરાતમાં કરજણ મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ચૂંટણી અધિકારી પાસે ફરિયાદ નોંધાવી છે. જેમાં ઈંટોલા અને ગોસિન્દ્રા પોલિંગ બુથ વિસ્તારોમાં ભાજપ દ્વારા 'કેશ ફોર વોટ' આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કિરીટ સિંહ જાડેજાના ચૂંટણી એજન્ટે ચૂંટણી અધિકારીઓને ફરિયાદ સાથે વીડિયો પણ સોંપ્યો છે જેમાં ભાજપ દ્વારા કથિત મતદારોને રોકડનુ વિતરણ દર્શાવવામાં આવ્યુ છે. રિટર્નિંગ અધિકારીઓએ આરોપની તપાસ શરૂ કરી દીધી છે.
કોંગ્રેસના કરજણના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રાણા અને કોંગ્રેસ અગ્રણી શૈલેશ અમીને લેખિતમાં રજૂઆત કરી કહ્યુ કે ચૂંટણી સમયે ઈંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં ભાજપીઓ કેશ ફોર વોટ કરી રહ્યા છે, જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. વોટ સામે કેશ વહેંચનારાઓની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી આવા કેશ વહેંચનારાઓને પોલિસે ડિટેઈન કરવા જોઈએ. આ મામલે કોંગ્રેસે ભાજપ સામે કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. આ મામલે હજુ સુધી કાર્યવાહી ન થઈ હોવાથી કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઝડપથી આ માટે કાર્યવાહી થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે.












Click it and Unblock the Notifications
